સુપ્રીમ કોર્ટ આજે આપશે અયોધ્યાનો ચુકાદો

સુપ્રીમ કોર્ટ આજે આપશે અયોધ્યાનો ચુકાદો
70 વર્ષ જૂના સંવેદનશીલ મામલે બંધારણીય બેન્ચ ફેંસલો આપશે
નવીદિલ્હી, તા.8: સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ન્યાય તોળશે. ચુકાદા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે સવારે આપવાની હોવાથી રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે તેની ખરાઈ કરવાં સાબદા બની ગઈ હતી.
બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ વકરતો ગયો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો. 
સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો. 
આજ સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer