હવે મુખ્ય પ્રધાન કોણ?

હવે મુખ્ય પ્રધાન કોણ?
શરદ પવારના ઘરે રાજકીય હિલચાલો
રાઉત અને આઘાડીના નેતાઓ મરાઠા નેતાઓને મળ્યા
રાજ્યપાલના નિર્ણય પછી કૉંગ્રેસ તેનું વલણ જાહેર કરશે
કૉંગ્રેસના તરુણ વિધાનસભ્યો ભાજપને સત્તાથી દૂર રાખવા આતુર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદના વચન બાબતે ભાજપ અને શિવસેના વચ્ચે કોણ સાચું ને કોણ ખોટું એનું વરવું રાજકારણ શરૂ થતાં જ બહુમતી મળી હોવા છતાં ભગવી યુતિ સરકાર નહીં બનાવે એ હવે લગભગ નક્કી છે. આવી પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં સત્તાના નવાં સમીકરણોની અટકળો પણ થઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો 24 અૉક્ટોબરે જાહેર થયાં બાદ પણ હજુ સુધી સરકારની રચના થઇ નથી અને સૌથી વધુ બેઠક મેળવનારા ભાજપે આજે નિશ્ચિત મુદતના છેલ્લા દિવસે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો પણ નથી નોંધાવ્યો અને વર્ષ 2014-19ની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું
આપ્યું છે. 
ચૂંટણીનાં પરિણામો પ્રમાણે તો કુલ 288 બેઠકોમાંથી ભાજપને 105 અને શિવસેનાને 56 મળી મહાયુતિને 161 બેઠકો મળી છે તેથી સત્તા માટેની જરૂરી બહુમતી છે. મહાયુતિ સામે યુતિ કરીને લડેલી એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 બેઠકો મળી છે. બાકીની 30 જેટલી બેઠક અપક્ષ તેમ જ નાની પાર્ટીઓને મળી છે.
હવે ભાજપ-શિવસેના વચ્ચે સત્તાના સંઘર્ષમાં તલવારો ખેંચાઇ ચૂકી છે ત્યારે મહાયુતિના અંતની માત્ર જાહેરાત જ બાકી હોવાનું મનાય છે. આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં સરકાર માટે નવાં રાજકીય સમીકરણોની અટકળો થઇ રહી છે અને ખાસ તો રાજકારણના અઠંગ ખેલાડી અને મહામુત્સદ્દી અનુભવી મરાઠા નેતા શરદ પવાર સત્તાનાં કેવાં સોગઠાં ગોઠવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. 
શિવસેના-એનસીપી મળીને સરકાર રચે અને કૉંગ્રેસ તેને ટેકો આપે તો ભાજપને મહારાષ્ટ્રમાં સત્તાથી બહાર રાખી શકાય એ મુખ્ય મુદ્દો છે. શિવસેના અને કૉંગ્રેસ-એનસીપી જેવી વિચારધારાના મામલે ઉત્તર-દક્ષિણ ધ્રુવ મનાતી પાર્ટીઓ વચ્ચે શું આ શક્ય છે? માનો કે સરકાર રચાય તો મુખ્ય પ્રધાન કોણ બને, વિપરીત વિચારધારાની પાર્ટીઓની સરકારનું ભવિષ્ય કેટલું, રાષ્ટ્રીય રાજકારણમાં એની શું અસર થાય વગેરે મુદ્દા ચર્ચામાં છે. 
રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન કે દોસ્ત નથી હોતા એ બધા જાણે છે, તેથી નેતાઓનાં નિવેદનો પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાતાં રહે છે. મહારાષ્ટ્રમાં પ્રવાહી રાજકીય પરિસ્થિતિ સર્જાયા બાદ આજે શિવસેનાના નેતા સંજય રાઉત ફરી પાછા પવારને મળ્યા અને બાદમાં કૉંગ્રેસના નેતાઓ પવારને મળ્યા. આ ત્રણેય પાર્ટી વચ્ચે શું રંધાઇ રહ્યું છે એની સત્તાવાર જાણ તો કોઇને નથી, પરંતુ અટકળો એવી થઇ રહી છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા કોઇ રાજકીય ચોપાટ ગોઠવાઇ રહી છે.          Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer