શિવસેના એક-બે દિવસમાં સરકાર બનાવશે?

શિવસેના એક-બે દિવસમાં સરકાર બનાવશે?
મુંબઈ, તા. 9 : શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે સત્તા સ્થાપના માટે બધા પર્યાય ખુલ્લા છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શિવસૈનિકને બેસાડવા માટે દેવેન્દ્ર કે અમિત શાહની આવશ્યકતા નથી. તેમના આ વિધાનના રાજકીય અર્થઘટન પ્રમાણે ઉદ્ધવ ઠાકરે આવતા એક-બે દિવસમાં મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપવાની દિશામાં મક્કમ પગલું ભરશે.
ઉદ્ધવ ઠાકરેની આ જાહેરાત પછી ભાજપ-શિવસેના યુતિમાં છેલ્લા 15 દિવસથી જે ઘુસપુસ ચાલતી હતી અને તેમાંથી તેઓની કહેવાતી મૈત્રીની જે વાત થતી હતી તેની હવા નીકળી ગઈ છે. ગઈ કાલે પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ એકબીજા પર જે આક્ષેપ, પ્રતિઆક્ષેપ, મહેણાંટોણાં માર્યા પછી હવે યુતિનો મૃત્યુઘંટ વાગી ગયો છે એવું રાજકીય પંડિતોનું કહેવું છે. તેઓના મતે હવે યુતિ તોડવાની જાહેરાત કોણ કરે છે તે જોવાનું રહ્યું.
જો શિવસેના સરકાર રચવાનો દાવો કરે અથવા ગવર્નર તેમને સરકાર રચવા બોલાવે તો તે કેવી રીતે સરકાર રચશે તે પ્રતિ સૌનું લક્ષ છે. શરદ પવારે હજી મગનું નામ મરી પાડયું નથી, પણ કહેવાય છે કે રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ નરોવા કુંજરોવા જેવી ભૂમિકા પણ ભજવી શકે છે. રાષ્ટ્રવાદી માટે કહેવાય છે કે તે શિવસેનાને બહારથી ટેકો જાહેર કરશે પણ સરકારમાં નહીં જોડાય.
આમ છતાં આજે ગવર્નર રાજ્ય સરકારની રચના વિશે શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું. જો તેઓ મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપે અને ભાજપ તે સ્વીકારે નહીં તો પછી બીજા મોટા પક્ષ તરીકે શિવસેનાને આમંત્રણ આપી શકે. રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપ સરકાર બનાવવાના મૂડમાં ન હોઈ તેની શિવસેનાને જાણ હોઈ તેઓ એક-બે દિવસના સમયની રાહ જોઈ રહ્યા છે.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer