રામમંદિર નિર્માણ નિશ્ચિત: સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે જમીન મળશે

રામમંદિર નિર્માણ નિશ્ચિત: સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે જમીન મળશે
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી, તા. 9 : દેશના સૌથી ચર્ચિત કેસ રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 
સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષ હેઠળની બેન્ચે સર્વસંમતિથી આપેલા ચુકાદામાં વિવાદિત જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવા જણાવ્યું હતું, જ્યારે સુન્ની વક્ફ બોર્ડને અન્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો હતો.
કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને નકારી કાઢયો હતો. એ સાથે કોર્ટે કહ્યું કે ત્રણ પક્ષોમાં જમીન વહેંચવાનો હાઈ કોર્ટનો નિર્ણય તાર્કિક નહોતો.
કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવી એના મૅનેજમેન્ટ, મંદિર નિર્માણના નિયમો બનાવે. વિવાદિત જમીનનો અંદર અને બહારનો હિસ્સો ટ્રસ્ટને સોંપે.
અયોધ્યા વિવાદનો ચુકાદો આપનાર બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરનો સમાવેશ હતો. સુપ્રીમ કોર્ટમાં 6 અૉગસ્ટથી સતત 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી 17 અૉક્ટોબરે પૂરી થઈ હતી.
કોર્ટની કાર્યવાહી શરૂ થઈ કે સૌ પ્રથમ શિયા વક્ફ બોર્ડનો દાવો કાઢી નખાયો હતો. શિયા વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે શિયાએ બાંધેલી મસ્જિદ સુન્નીને આપી શકાય નહીં. ત્યાર બાદ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી કાઢયો હતો.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવા માટે આર્કિયોલોજિકલ સર્વે અૉફ ઇન્ડિયાએ આપેલા પુરાવાઓ પર આધાર રાખતા કહ્યું હતું કે પુરાતન વિભાગના પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. કોર્ટે માન્યું હતું કે બાબરી મસ્જિદ જૂના પિલર પર ઊભી હતી અને 12મી સદીમાં ત્યાં મંદિર હોવાની પુરાતન વિભાગના પુરાવા માન્ય રાખ્યા હતા.
કોર્ટે કહ્યું કે હિન્દુ અયોધ્યાને રામ ભગવાનની જન્મભૂમિ માને છે. અયોધ્યામાં રામનો જન્મ થયો હોવાના દાવાનો કોઈએ વિરોધ નથી કર્યો અને ત્યાં પૂજા થતી હોવાનો હિન્દુઓનો દાવો પુરવાર થયો છે.
કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદિત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા, પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા. 
કોર્ટે કહ્યું કે, હિંદુઓને ત્યાં પણ અધિકારની બ્રિટિશ સરકારે માન્યતા આપી હતી. 1877માં તેમના માટે એક રસ્તો ખોલવામાં આવ્યો. અંદરનો હિસ્સો મુસ્લિમોની નમાજ માટે બંધ થયાના કોઇ પુરાવા મળ્યા નથી. 
કોર્ટે કહ્યું કે, હિંદુ અયોધ્યાને રામ ભગવાનનું જન્મસ્થાન માને છે. મુખ્ય ગુંબજને જ જન્મનું સાચું સ્થળ માને છે. અયોધ્યામાં રામનો જન્મ હોવાનો દાવાનો કોઇએ વિરોધ કર્યો નહોતો. વિવાદિત સ્થળ પર હિંદુ પૂજા કરતા રહ્યા હતા. ચબૂતરા, ભંડાર, સીતા રસોઇના દાવાથી પણ પુષ્ટિ થાય છે. હિંદુ પરિક્રમા પણ કરતા હતા, પરંતુ ટાઇટલ ફક્ત આસ્થાથી સાબિત થતા નથી. 
કોર્ટે કહ્યું કે, સુન્ની વક્ફ બોર્ડે દલીલમાં પોતાના દાવાઓમાં ફેરફાર કર્યો છે. અગાઉ અલગ વાત કરી હતી અને બાદમાં નીચે મળેલી રચનાને ઇદગાહ કહી હતી. સ્પષ્ટ છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી. નીચે વિશાલ રચના હતી. તે રચના ઇસ્લામિક નહોતી. ત્યાં મળેલી કલાકૃતિઓ પણ ઇસ્લામિક નહોતી. એએસઆઇએ ત્યાં 12મી સદીમાં મંદિર હોવાનું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં ચુકાદો વાંચવામાં આવી રહ્યો છે. કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. નિર્મોહી અખાડા સેવાદાર પણ નહીં. રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. કોર્ટે કહ્યું કે, નિર્મોહી અખાડા પોતાના દાવા સાબિત કરી શક્યા નહીં. રામલલ્લા ષીશિતાશિંભ ાયતિજ્ઞક્ષ છે. રામ જન્મસ્થાનને આ દરજ્જો આપી શકીએ નહીં. પુરાતત્ત્વ પુરાવાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. તે હાઇ કોર્ટના આદેશ પર પૂરી પારદર્શિતાથી થયું છે. તેને ફગાવવાની માગ ખોટી છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની, પણ હિંદુ માળખા પર બની હતી. એવા ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અહીં વિવાદાસ્પદ માળખાની નીચે પૌરાણિક હિંદુ માળખું મળે તેના કારણે હિંદુઓનો દાવો સાચો ના માની શકાય. 
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી હિંદુઓ માટે ચિંતાજનક છે કેમ કે હિંદુ પક્ષકારોનો દાવો છે કે, હિંદુ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઈસવીસન 1856 પહેલાં હિંદુઓ વિવાદાસ્પદ ઢાંચાના અંદરના ભાગમાં પૂજા કરતા હતા.
દરમિયાન આ બેહદ સંવેદનશીલ પ્રકરણ જોતા દેશભરમાં પોલીસ ઍલર્ટ પર છે. અયોધ્યાના બધા મુખ્ય માર્ગોની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. શહેરની અંદર ચાર પૈડાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અયોધ્યામાં શ્રીરામ હૉસ્પિટલની સામેના મુખ્ય માર્ગ પર સ્થાનિક લોકોની પણ અવરજવર રોકી દેવામાં આવી છે, જ્યારે અલીગઢમાં મોબાઈલ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે.
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા અનેક રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ચુકાદો આપનારા જસ્ટિસ અને અન્ય જસ્ટિસોના ઘરબહાર પણ ભારે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તેમ જ તેઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં આજે સ્કૂલો બંધ રાખવાનો રાજ્ય સરકારોએ આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં સોમવાર સુધી બધી સ્કૂલ બંધ રહેશે. રાજસ્થાન સરકારના નિર્દેશથી આજે રાજ્યભરની શાળા-કૉલેજો બંધ છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યા સુધી મોબાઈલ સેવા બંધ રાખવામાં આવી છે.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer