આર્થિક સંકટગ્રસ્ત ઉદ્યોગોનું દેવું માફ કરવાની યોજના

નવી દિલ્હી, તા. 11 : સરકાર આર્થિક સંકટમાં મુકાયેલા નાના ઉદ્યોગોનું દેવું ઈન્સોલ્વન્સી કાયદા હેઠળ માફ કરવા વિચારી રહી હોવાનું સુમાહિતગાર સાધનો દ્વારા જાણવા મળે છે. ઈન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ `ફ્રેશ સ્ટાર્ટ'ની જોગવાઈના ભાગરૂપે આ દેવું માફ કરવાની દરખાસ્ત છે.
વાસ્તવમાં આર્થિક પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ)માંથી આવતા નાના ઉદ્યોગો માટે આ પ્રસ્તાવિત દેવામાફી માટેના ધોરણો અંગે માઈક્રો ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી સાથે વાતચીત થઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ દેવામાફી ઈડબ્લ્યુએસમાં આવતા અને અત્યંત નાણાકીય સંકટમાં હોય તેવા જ ઉદ્યોગોને લાગુ પડશે. જોકે, એકવાર આ ફ્રેશ સ્ટાર્ટના લાભ લેનાર પછી પાંચ વર્ષ માટે તેનો લાભ લઈ નહીં શકે. માઈક્રો ફાઈનાન્સ સેકટરના સંતોષ માટે તમામ સલામતીના પાસાં વિચારી લીધા છે, જેમ બૅન્કોએ આઈબીસી હેઠળ કેટલીક રકમ જતી કરવી પડે છે તે પ્રકારની આ દરખાસ્ત છે. રાષ્ટ્રીય સ્તરે ત્રણથી ચાર વર્ષના ગાળામાં રકમ રૂા. 10,000 કરોડથી વધારે નહીં થાય. આઈબીસી હેઠળ ફ્રેશ સ્ટાર્ટ માટે વિવિધ મર્યાદાઓ છે, જેમ કે દેવાદાર વ્યક્તિની વાર્ષિક કુલ આવક રૂા. 60,000થી વધુ ન હોવી જોઈએ અને દેવાની રકમ રૂા. 35,000થી વધુ હોવી ન જોઈએ તેમ જ આવી વ્યક્તિનું પોતાની માલિકીનું ઘર ન હોવું જોઈએ, એમ કોર્પોરેટ બાબતના સચિવે કહ્યું હતું.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer