તોફાની વધઘટ અંતે શૅરબજારમાં સામાન્ય સુધારો

તોફાની વધઘટ અંતે શૅરબજારમાં સામાન્ય સુધારો
અૉટો અને આઈટી શૅર્સ તૂટયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : શૅરબજારમાં મિશ્ર વલણ પછી ટ્રેડ અંતે એનએસઈમાં નિફટી લગભગ સ્થિર પાંચ પોઈન્ટ સુધારે 11,913ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 21 પોઈન્ટ સુધરીને 40,3451ના સ્તરે બંધ આવ્યો હતો. આજના સુધારામાં મુખ્યત્વે ખાનગી બૅન્કિંગ, મીડિયા અને બૅન્કિંગ શેરમાં સુધારા સામે આઈટી અને વાહન ક્ષેત્રમાં શેર ઘટયા હતા. બીએસઈમાં મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 0.29 અને 0.17 ટકા સુધારે રહ્યા હતા. વ્યક્તિગત શૅરમાં અશોક લેલેન્ડ ત્રિમાસિક નફામાં વાર્ષિક ધોરણે મોટો ઘટાડો (રૂા. 670 કરોડ સામે રૂા. 1.19  કરોડ) થવાથી શેર ટ્રેડ દરમિયાન સાત ટકા તૂટયા પછી પુન: ત્રણ ટકા સુધરીને ઉંચે બંધ રહ્યો હતો. જ્યારે અમરારાજા બેટરીનો નફામાં સંગીન વધારો થવાથી શેર 9 ટકા વધીને રૂા. 718ના સ્તરે બંધ આવ્યો હતો. નિફટીઓ વધઘટ છતાં 11,900 ઉપર બંધ આવ્યો છે, જે ઉલ્લેખનીય ગણાય.
હૉંગકૉંગમાં નવેસરથી હિંસાના બનાવો બનતાં ઓશિયન બજારમાં નબળાઈ આવી હતી. જેની સ્થાનિક બજારમાં અસર સાથે મૂડીસના ભારતની અર્થવ્યવસ્થાના નબળા અંદાજથી નવી ખરીદી ઘટી છે. આજના સુધારામાં સમગ્ર ભાગે યસ બૅન્ક 5.80 ટકા વધી રૂા. 73 થયો હતો, જ્યારે ઝીમાં રૂા. 19, વીપીસીએલમાં રૂા. 15, ઈન્ડસઈન્ડ બૅન્કમાં રૂ. 25, તાતા મોટર્સમાં રૂા. 3. બજાજ ફીનસર્વમાં રૂા. 86 વધ્યા હતા તો ઈન્ડિયા બુલ્સ વેન્ચર્સમાં પાંચ ટકા વધ્યો હતો. આજે ફાર્મા ઈન્ડેક્સ 2 ટકા દબાણમાં હતો. આજે ઘટવામાં મુખ્ય હીરો મોટર્સ રૂા. 51, મારુતિ સુઝુકી રૂા. 73, આયશર મોટર્સ રૂા. 313, ટીસીએસ રૂા. 29, બ્રિટાનિયા રૂા. 39 ઘટયા હતા. આમ મુખ્ય શેરોમાં અડધાથી પોણા ટકાનો ઘટાડો હતો. આજે નિફટીના મુખ્ય શેરમાંથી 26 ઘટયા હતા અને 23ના ભાવ સુધારે રહ્યા હતા. ખાનગી બૅન્કોના મુખ્ય 8માંથી 6 શેરમાં સંગીન સુધારો થયો હતો. આજે મીડિયા ઈન્ડેક્સ 3 ટકા અને ખાનગી બૅન્કેકસ 2 ટકા વધ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોર્પોરેટ વેરામાં ઘટાડાથી મીડકેપ અને સ્મોલકેપ કંપનીઓને નોંધપાત્ર લાભ થયો છે. જેથી નિફટીમાં હવે 12,000ની સપાટી ઉપર પુન: બાંધી આપે તો વધઘટે 12,200ની સપાટી આવી છે. પરંતુ હેવી વેઈટમાં વેચવાલી વધે તો 11,900 તૂટતાં નિફટી 11,700 આવી શકે.
વૈશ્વિક એશિયન બજારો
હૉંગકૉંગમાં લોકશાહીતરફી આંદોલનમાં આજે પુન: હિંસા ભડકવાથી એશિયાના બજારમાં નબળાઈ આવી હતી. હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં નોંધપાત્ર 2.4 ટકા તૂટયો હતો. એશિયાનો મુખ્ય એસએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ એક ટકા ઘટાડે હતો. જપાનમાં ટોનના મૂલ્યમાં સારો સુધારો નોંધાયો હતો. પાન યુરોપિયન સ્ટોક્સ 50 વાયદો સ્થિર રહેલા સામે જર્મનીમાં ટેક્સ 0.1 ટકા અને લંડનમાં એફટીએસઈ વાયદો દબાણમાં બંધ રહ્યો હતો.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer