9 મોટી કંપનીઓ દ્વારા પહેલા ત્રિમાસિક ગાળામાં નવાં ઘરોનું વેચાણ 11 ટકા વધીને રૂા. 5300 કરોડનું થયું

9 મોટી કંપનીઓ દ્વારા પહેલા ત્રિમાસિક ગાળામાં નવાં ઘરોનું વેચાણ 11 ટકા વધીને રૂા. 5300 કરોડનું થયું
રિયલ્ટી ક્ષેત્ર માટે સારા સમાચાર
નવી દિલ્હી, તા. 11(પીટીઆઇ): રિયલ્ટી ક્ષેત્ર માટે સારા સમાચાર છે, આ ક્ષેત્રની 9 મોટી કંપનીઓ દ્વારા પહેલા ત્રિમાસિક ગાળામાં નવાં ઘરોનું વેચાણ 11 ટકા વધીને રૂા. 5300 કરોડ થયું હોવાનું પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ્સ એનારોકે જણાવ્યું છે. 
આ નાણાં વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં નવાં ઘર લેવા ઇચ્છુક ગ્રાહકોએ હાઉસિંગ પ્રોજેક્ટ સમયસર પૂરો કરનાર અને સદ્ધર આર્થિક સ્થિતિ ધરાવતા રિયલ્ટર્સ ઉપર ભરોસો મૂકતાં વેચાણ 11 ટકા વધ્યું હોવાનું એનારોકે જણાવ્યું છે. 
આ નવ લિસ્ટેડ રિયલ્ટર્સ કંપનીઓનું વેચાણ નાણાં વર્ષમાં આગળ જતાં પણ સારું રહેશે, એવી ધારણા એનારોકના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. આ નવ કંપનીઓમાં ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મહિન્દ્ર લાઇફસ્પેસ, ઓબેરોય રિયલ્ટી, પ્રેસ્ટીજ, શોભા ડેવલપર્સ, પૂર્વાંકારા, બ્રિગેડ અને કોલતે - પાટીલનો સમાવેશ થાય છે. 
એનારોકના ચૅરમૅન અનુજ પુરીના જણાવ્યા અનુસાર આ ટૉચની નવ કંપની દ્વારા પ્રોત્સાહક વેચાણ અને અનેક નવા પ્રોજેક્ટ્સના કારણે આવનારા ત્રિમાસિક ગાળાઓમાં નવું ઘર ખરીદવા માગતા ગ્રાહકો તેમની તરફ વળશે કારણ કે તેમને પ્રોજેક્ટ સમયસર પૂરો થવાની સાથે સારી ગુણવત્તાનું બાંધકામ મળવાની પણ ખાતરી મળે છે.
વર્ષ 2016-17માં આ નવ લિસ્ટેડ કંપનીઓ દ્વારા ટોચના સાત શહેરોમાં નવા પ્રોજેકટ્સની સંખ્યા કુલ પ્રોજેક્ટ્સમાં પાંચ ટકા હતી જે વર્ષ 2018 - 19માં વધીને 10 ટકા થઇ છે અને આવનારા સમયમાં પણ તેમાં સતત વધારો થશે, એમ પુરીએ જણાવ્યું હતું. 
આ નવ કંપનીઓએ ગ્રાહકોની જરૂરિયાત મુજબ તેમની નીતિ બદલી વ્યાજબી ઘરો અને મિડ રેન્જ સેગ્મેન્ટનાં ઘરો બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી તેમનાં વેચાણમાં વધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
એનારોકના અહેવાલ અનુસાર આ નવ કંપનીઓએ વર્ષ 2018-19માં કુલ રૂા. 22,800 કરોડનું વેચાણ કર્યું  હતું. 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer