અૉક્ટોબરમાં પેસેન્જર વાહનોનું વેચાણ 0.28 ટકા વધ્યું

અૉક્ટોબરમાં પેસેન્જર વાહનોનું વેચાણ 0.28 ટકા વધ્યું
નવી દિલ્હી, તા.11(પીટીઆઇ): સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (સીઆમ) સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા મહિને - ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું વેચાણ 0.28 ટકા વધ્યું હતું. ઓક્ટોબર માસમાં કુલ 2,85,027 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું જે ગયા વર્ષના સમાન ગાળામાં 2,84,223 વાહનોનું થયું હતું, એમ સીઆમે તેના માસિક અહેવાલમાં જણાવ્યું છે. 
ઓછી માગ અને હજારો રોજગાર ઉપર તવાઇ આવ્યા બાદ આવેલા આ સામાન્ય સુધારિત આંકડાથી ઓટો સેક્ટરમાં આશાનું કિરણ દેખાયું છે. જોકે,પેસેન્જર વાહનોની શ્રેણીમાં ગયા માસમાં ઉત્પાદન 21.14 ટકા ઘટી 2,69,186 યુનિટ્સનું રહ્યું હતું. જ્યારે નિકાસ 2.18 ટકા ઘટી હોવાનું સીઆમે જણાવ્યું હતું. 
ઓક્ટોબર માસમાં કુલ 2,85,027 પેસેન્જર વાહનોનાં વેચાણમાં 1,73,549 યુનિટ્સ પેસેન્જર કાર હતી, જેમાં 6.34 ટકાનો ઘટાડો થયો હોવાનું  સીઆમે જણાવ્યું હતું.
ઓક્ટોબર માસમાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 30.22 ટકા ઘટી 1,62,343 યુનિટ્સ થયું હતું. યુટિલિટી વ્હિકલ્સ અને વૅનનો પેસેન્જર વાહનોમાં સમાવેશ થાય છે. પેસેન્જર વાહનો, કમર્શિયલ વાહનો, ટુ વ્હીલર્સ , થ્રી વ્હીલર્સનો સમાવેશ ધરાવતા સ્થાનિક વેચાણમાં વાર્ષિક ધોરણે 12.76 ટકાનો ઘટાડો ઓક્ટોબર માસમાં નોંધાયો હોવાનું સીઆમે જણાવ્યું છે.  
વાહનોનાં કુલ ઉત્પાદનમાં 26.22 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નિકાસ 2.72 ટકા વધી હોવાનું આંકડામાં જણાવાયું છે. કમર્શિયલ વાહનોનાં વેચાણમાં 23.31 ટકાનો ઘટાડો થયો હતો. તેમાં હળવાં, મધ્યમ અને ભારે પેસેન્જર વાહનો અને ગુડ્સ કૅરિયરનો સમાવેશ થાય છે. 
ઓક્ટોબરમાં કુલ 66,773 કમર્શિયલ વાહનોનું વેચાણ થયું હતું, તેમાં 51,439 લાઇટ કમર્શિયલ વાહનોનો સમાવેશ થતો હતો. ગયા મહિને કુલ 17,57,264 ટુ વ્હીલર્સનું વેચાણ થયું હતું જેમાં વાર્ષિક ધોરણે 14.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ટુ વ્હીલર્સની નિકાસમાં 8.03 ટકાનો વધારો થયો હતો પણ ઉત્પાદન 26.57 ટકા ઘટયું હતું.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer