હાલમાં બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. આવી ફિલ્મો બનાવનારા ફિલ્મમેકરોમાં હવે ઇમ્તિયાઝ અલીના નામનો પણ સમાવેશ થયો છે. રાધા કૃષ્ણ પરથી ફિલ્મ બનાવવાની તૈયારી કરતા ઇમ્તિયાઝ વિતેલા જમાનાની અભિનેત્રી મધુબાલાના જીવન પરથી ફિલ્મ બનાવશે. મધુબાલાનું મૂળ નામ મુમતાઝ જહાં બેગમ દેહલવી હતું અને 1947માં પ્રથમ ફિલ્મ નીલ કમલ આવી ત્યારે દેવીકા રાનીના સૂચનથી મધુબાલા નામ અપનાવ્યું હતું.
જો કે, ઇમ્તિયાઝ સિવાય પણ કેટલાક ફિલ્મમેકર મધુબાલાના જીવન પરથી ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ ઇમ્તિયાઝને મધુબાલાના જીવન પરથી ફિલ્મ બનાવવા માટે જોઇતા અધિકારો તેના પરિવાર પાસેથી મેળવી લીધા છે. તેને મધુબાલાના જીવન વિશેની એટલી હકીકતો જાણવા મળી છે કે આના પરથી ફિલ્મ બનાવવી કે વેબ સિરિઝ તેનો નિર્ણય તે કરી શકતો નથી. ઇમ્તિયાઝએ કહ્યું હતું કે, મધુબાલાએ બાળ કલાકાર તરીકે બસંત ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને 14 વર્ષની વયે રાજ કપૂર સામે નીલ કમલમાં અભિનેત્રી તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે 22 વર્ષની અભિનય સફરમાં 73 ફિલ્મોમાં અભિનય કર્યો પરંતુ એકપણ એવૉર્ડ મળ્યો નથી. માત્ર મુગલે આઝમ માટે ફિલ્મફેર એવૉર્ડમાં નામાંકન મળ્યું હતું. તેના દિલીપકુમાર સાથેના સંબંધ તથા કિશોરકુમાર સાથેના લગ્ન અને છેવટે પથારીવશ અવસ્થામાં અંતિમ સમય પસાર કર્યો જેવી કેટલીક વાતો છે.
અન્ય કોઇ ફિલ્મમેકર મધુબાલાના જીવન પરથી ફિલ્મ ન બનાવે તે માટે પોતાને ફિલ્મની કથા સંબંધિત તમામ અધિકારો મળી ગયાની સત્તાવાર જાહેરાત પણ ઇમ્તિયાઝે કરી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે વિશે હજુ ચર્ચા થઇ રહી છે. કેટલાકના મતે આ માટે ટિક ટોક મધુબાલા તરીકે જાણીતી બનેલી પ્રિયંકા ખાંડવાલને લેવાનું સૂચન કરવામાં આવે છે. પરંતુ મધુબાલાની બહેન મધુર બ્રિજ ભૂષણના મતે કરિના કપૂર ખાન આ માટે ઉત્તમ અભિનેત્રી સાબિત થશે. અગાઉ તેણે માધુરી દીક્ષિતના નામનું સૂચન કર્યું હતું. પરંતુ અત્યારના સમયમાં કરિના યોગ્ય કહેવાશે એમ મધુરનું કહેવું છે.
Published on: Tue, 12 Nov 2019
ઇમ્તિયાઝ અલી બનાવશે મધુબાલાના જીવન પરથી ફિલ્મ
