પરિણીતી ચોપરાને કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ થઈ હોવાનું લાગે છે

પરિણીતી ચોપરાને કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ થઈ હોવાનું લાગે છે
ફિલ્મ જબરિયા જોડી ફલોપ ગઇ ત્યારે પરિણીતી ચોપરા નિરાશ થઇ ગઇ હતી. પરંતુ પછી તેને ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેક અને સાઇના નેહવાલના જીવન પરની ફિલ્મ મળતાં થોડો હાશકારો થયો હતો અને તે આ ફિલ્મોની તૈયારીમાં લાગી ગઇ હતી. પરિણીતીએ કહ્યું કે, મને લાગે છે કે હું નવોદિત છું અને આ મારી બીજી ઇનિંગ છે. આ બંને ફિલ્મો મારા માટે ગેમચેન્જર સાબિત થશે. લોકોને મારો નવો અવતાર જોવા મળશે. ભૂતકાળની ફિલ્મોની પસંદગીનો વિચાર કરવાને બદલે હવે હું ભવિષ્યમાં ભૂલ ન કરું તેનું ધ્યાન રાખીશ. હવે હું વધુ ધ્યાન  કેન્દ્રિત કરું છું અને મારી તમામ ક્ષમતાઓને દાવ પર લગાવું છું. 
કારકિર્દી ઉપરાંત અંગત જીવનનું શું? એવા સવાલના જવાબમાં પરિણીતીએ કહ્યું કે, લગ્ન નહીં થાય ત્યાં સુધી હું સિંગલ છું. મારે મારા રોમાન્ટિક સંબંધની જાહેરાત કરવી છે પરંતુ મને બીજી વ્યક્તિ મળતી નથી. મારે એવો જીવનસાથી જોઇએ છે જે મને સમજી શકે અને હું કામ પરથી આવું ત્યારે પ્રેમથી મને સંભાળી લે. મારી જેમ તે પણ આત્મનિર્ભર હોવો જોઇએ. મેં અત્યાર સુધી જે મેળવ્યું છે તે મારી ક્ષમતાઓ પર મેળવ્યું છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer