દિલ્હીના વાયુ પ્રદૂષણને લીધે `દોસ્તાના-ટુ''નું શૂટિંગ રદ

દિલ્હીના વાયુ પ્રદૂષણને લીધે `દોસ્તાના-ટુ''નું શૂટિંગ રદ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યું છે. આ કારણે લોકોના સ્વાસ્થ્યનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યાંના સ્થાનિક બિઝનેસ પર તો આની અવળી અસર પડી છે પરંતુ બોલીવૂડ પણ તેની ઝાપટમાં આવી ગયું છે. કરણ જોહરની ફિલ્મ દોસ્તાના-ટુનું શૂટિંગ દિલ્હીમાં યોજાયું હતું. પરંતુ વાયુ પ્રદૂષણને લીધે તે રદ કરવામાં આવ્યું છે. કાર્તિક આર્યન અને જાન્હવી કપૂરનાં દૃશ્યો શૂટ થવાનાં હતાં પરંતુ હવે શૂટિંગને આગળ ધકેલાયું છે. કલાકાર કસબીઓ શ્વાસ લઇ શકતા નહોતા. વળી પ્રદૂષણને લીધે ધૂંધળું દેખાતું હોવાથી કેમેરામાં દૃશ્યો સ્પષ્ટ દેખાતાં નહોતાં. છેવટે વાતાવરણમાં સુધારો ન આવે ત્યાં સુધી શૂટિંગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
 આ સિવાય પણ અન્ય ફિલ્મોની શૂટિંગ યોજનાને સુધ્ધાં અસર થઇ છે. દિલ્હીમાં રહેલા ફિલ્મનિર્માતાઓ પણ ધુમ્મસ ઓછું થવાની રાહ જોઇ રહ્યા છે અને જેઓ રાહ જોઇ શકે એમ નથી તેઓ બીજાં શહેરોમાં જવાનું વિચારે છે. થોડા દિવસ અગાઉ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ દિલ્હીમાં ફિલ્મ વ્હાઇટ ટાઇગરનું શૂટિંગ રાજકુમાર રાવ સાથે કરતી હતી. ત્યારે તેણે દિલ્હીના વાયુ પ્રદૂષણનો ફોટો મૂકીને જે મેસેજ લખ્યો હતો તેના લીધે ટ્રોલ થઇ હતી.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer