મહિલા ટી-20 : ભારતે વિન્ડિઝને 10 વિકેટે હરાવ્યું

મહિલા ટી-20 : ભારતે વિન્ડિઝને 10 વિકેટે હરાવ્યું
શેફાલીની સતત બીજી અર્ધસદી : દીપ્તિનું ચાર વિકેટ સાથે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ગ્રોસ આઈલેટ, તા. 11 : ઓફ સ્પિનર દીપ્તિની શાનદાર બોલિંગ બાદ યુવા શેફાલી વર્માની સતત બીજી અર્ધસદીની મદદથી બીજા ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટે હરાવ્યું હતું. 15 વર્ષિય શેફાલીએ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા 35 બોલમાં 69 રન કર્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જ્યારે બીજી ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના 30 રન બનાવીને નોટઆઉટ રહી હતી.
ભારતે 10.3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 104 રન કરીને પાંચ મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી હતી. આ અગાઉ દીપ્તિએ ચાર વિકેટ લઈને કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે 103 રન જ બનાવવા દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ વિન્ડિઝ ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી. બીજી તરફ ભારતે શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન અનીસા મોહમ્મદે ભારત સામે સાત બોલરો અજમાવ્યા હતા પણ તેની કોઈ અસર જોવા મળી નહોતી.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer