સપને પણ વિચાર્યું નહોતું કે હેટટ્રિક લઈશ : ચહર

સપને પણ વિચાર્યું નહોતું કે હેટટ્રિક લઈશ  : ચહર
બાંગ્લાદેશ સામેની મૅચમાં ઘાતક બૉલિંગ બાદ ચહરે કર્યો રોચક ખુલાસો
નાગપુર, તા. 11 : ઝડપી બોલર દીપક ચહરે બંગલાદેશ સામે ત્રીજા ટી20 મેચમાં હેટટ્રિક લઈને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેચ બાદ જ્યારે ચહરને હેટટ્રિક અંગે પૂછવામાં આવ્યું તો તેણે રોચક જવાબ આપ્યો હતો. ચહરે કહ્યું હતું કે, સારૂ પ્રદર્શન કરવાની આશા હતી પણ હેટટ્રિક લઈશ તેવું સપનામાં પણ વિચાર્યું નહોતું. ઉલ્લેખનિય છે કે ચહરની શાનદાર બોલિંગના કારણે ભારત બંગલાદેશ સામે 2-1થી શ્રેણી કબ્જે કરવામાં કામયાબ રહ્યું હતું. 
ઐતિહાસિક હેટટ્રિક બાદ ચહરે કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે બાળપણથી આકરી મહેનત કરી રહ્યો છે પણ હેટટ્રિક લઈશે તેવો વિચાર આવ્યો નહોતો. કેપ્ટન રોહિત શર્માએ મહત્વના સમયે બોલિંગ કરાવવાનો પ્લાન બનાવ્યો હતો અને ટીમ મેનેજમેન્ટ પણ ઈચ્છતું હતું. આ જ કારણથી કેપ્ટને જવાબદારી આપી તો તેને નિરાશ કરવા માગતો નહોતો અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના બોલિંગ પ્લાન વિશે વાત કરતા ચહરે કહ્યું હતું કે, તે હંમેશા આગામી બોલ ઉપર ફોકસ કરે છે. જ્યાં સુધી ઓવર પુરી ન થાય ત્યાં સુધી આ રણનીતિને અનુસરે છે. 
બંગલાદેશ સામે મેન ઓફ મેચ પસંદ થયેલા ચહરે સાત રન આપીને છ વિકેટ લીધી હતી. આ સાથે ટી20માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો બોલર બન્યો હતો. તેમજ એક મેચમાં પાંચથી વધારે વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર પણ બન્યો છે. ચહરે મેચમાં 3.2 ઓવર ફેંકી હતી અને છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને હેટટ્રિક પુરી કરી હતી.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer