અયોધ્યા ચુકાદો : મૂળ ખેતવાડીમાંથી પ્રકાશિત થયેલા અનુવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટે આધાર રાખ્યો

શહેરના સૌથી જૂના પ્રેસમાંનું એક વેંકટેશ્વર સ્ટીમ પ્રેસ આજે પણ ખેતવાડીની સાંકડી ગલીમાં ધમધમે છે
મુંબઈ, તા.11 : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપ્યો તેમાં મુંબઈનો પણ નામોલ્લેખ કરાયો હતો. શનિવારે સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યો તેમાં ખેતવાડી સ્થિત મુંબઈના સૌથી જૂના પબ્લિશર્સમાંના એક વેંકટેશ્વર સ્ટીમ પ્રેસ દ્વારા પ્રકાશિત `સ્કંદ પુરાણ' પુસ્તકના ભાષાંતરનો આધાર લેવાયાની ખાસ નોંધ કરી છે. વર્ષ 1890માં બે ભાઇઓએ શરૂ કરેલું આ પ્રેસ સવાસો વર્ષ કરતાયે વધુ સમયથી ખેતવાડીની એક સાંકડી ગલીમાં હજુએ અસ્તિત્વ ધરાવે છે.
ભગવાન રામનું પ્રાકટય અયોધ્યામાં ચોક્કસ જ્યાં થયું (જન્મસ્થાન) હોવાનું હિંદુઓ માને છે તેનો દસ્તાવેજી અને મૌખિક આધાર મુંબઈના વેંકટેશ્વર પ્રેસના પુસ્તક સ્કંદ પુરાણ પરથી લેવાયો છે, એવી નોંધ સુપ્રીમ કોર્ટે કરી હતી, જે અયોધ્યામાં રામ જન્મસ્થળ નક્કી કરવામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
વેદ, ઉપનિષદ અને પુરાણ હિંદુઓના સર્વોચ્ચ ધર્મગ્રંથો છે, જેમાં પુરાણો ઇતિહાસ હોવાનું મનાય છે, 18 પુરાણમાં સ્કંદ પુરાણ સૌથી મોટો ગ્રંથ છે. વકીલોએ સ્કંદ પુરાણના વૈષ્ણવખંડના અયોધ્યા મહાત્મ્યના આધારે સુપ્રીમ કોર્ટમાં દલિલો કરી હતી. સ્કંદ પુરાણનું અંગ્રેજીમાં ભાષાંતર ડૉ. જી વી તગારેએ કરેલું છે અને આ પુસ્તક દિલ્હીની મોતિલાલ બનારસીદાસ પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરાયું છે. ચુકાદામાં લખાયું છે કે મુંબઈના વેંકટેશ્વર સ્ટીમ પ્રેસ દ્વારા પ્રકાશિત સ્કંદ પુરાણનું ભાષાંતર ડૉ. જી વી તગારેએ કરેલું છે.
ચુકાદામાં વાલ્મિકી રામાયણના ઉલ્લેખમાં જણાવાયું હતું કે વાલ્મિકી રામાયણમાં અયોધ્યામાં રામના જન્મનો ઉલ્લેખ છે, પરંતુ જન્મના ચોક્કસ સ્થળ સંબંધી કોઇ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સ્કંદ પુરાણના અયોધ્યા મહાત્મ્યના 87 શ્લોક છે તેમાં 18-25 શ્લોક આ કેસ સાથે સંબંધ ધરાવે છે, એમ સુપ્રીમ કોર્ટે નોંધ કરી હતી. ચુકાદામાં આ શ્લોકો સંસ્કૃત અને તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ ટાંકવામાં આવ્યું છે. નોંધ પણ કરાઇ છે કે ઉપરોક્ત શ્લોકોમાં રાજ જન્મસ્થળ વિશે ઉલ્લેખ છે.આ શ્લોકોમાં જણાવાયું છે કે વિધ્નેશ્વરની પૂર્વે, વશિષ્ઠની ઉત્તરે અને સૌમાસાની પશ્ચિમે રામ જન્મ સ્થળ છે. જે સ્થળે ભગવાન રામનું પ્રાગટય થયું એ આ જ સ્થળ છે એવી અતૂટ શ્રદ્ધા કરોડો હિંદુઓ પુરાણકાળથી ધરાવે છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer