રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિશાસનની ભલામણ ઉપરાંત અનેક વિકલ્પો છે : કાનૂની નિષ્ણાતો

ભાજપ, શિવસેના, એનસીપી અને કૉંગ્રેસને વારાફરતી 
નિમંત્રણ બાદ બંને યુતિની સરકારની શક્યતા પણ તપાસી શકે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે ચૂંટણી અગાઉના કે બાદના તમામ ગઠબંધન તેમ જ સંખ્યાબળ પ્રમાણે એક પછી એક ચારેય મુખ્ય પાર્ટીને સરકાર રચવાની તક આપવા સહિતના તમામ વિકલ્પો છે, એમ કાનૂની નિષ્ણાતોનું કહેવું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આમ એક પછી એક પાર્ટીને નિમંત્રણ આપ્યા બાદ કોઇ પણ પાર્ટી સ્થિર અને યોગ્ય સંખ્યાબળ ધરાવતી સરકાર ન રચી શકે તો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરવાનો છેલ્લો વિકલ્પ રાજ્યપાલ પાસે છે.
અલહાબાદ હાઇ કોર્ટના પૂર્વ જજ અને હાલમાં કૉંગ્રેસના નેતા અભય થિપ્સેએ કહ્યું હતું કે રાજ્યપાલે એ જોવાની ફરજ છે કે રાજ્યમાં સ્થિર અને મજબૂત સરકાર રચાય. આવી પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં રાજ્યપાલે ચોક્કસ શું કરવું એની કોઇ સ્પષ્ટતા દેશના બંધારણમાં નથી. તેથી સામાન્ય રીતે રાજ્યપાલ સૌથી વધુ બેઠક મેળવનારી પાર્ટીને પહેલા સરકાર રચવાનું નિમંત્રણ આપે છે અને આ પાર્ટી જો અનિચ્છા જાહેર કરે તો બીજા નંબરે વધુ બેઠક મેળવનારી પાર્ટીને નિમંત્રણ આપે છે. જોકે, પાર્ટીઓને સરકાર રચવાનો દાવો કરવા માટે કેટલો સમય આપવો એ રાજ્યપાલે જ નક્કી કરવાનું હોય છે.
થિપ્સેના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ ચૂંટણી અગાઉ ગઠબંધન કર્યું હોય એ તમામ પાર્ટીના નેતાઓને બોલાવીને એક પાર્ટી તરીકે સરકાર રચનાનું નિમંત્રણ પણ આપી શકે છે. આ રીતે મહારાષ્ટ્રના કેસમાં જો શિવસેના સરકાર રચવા સક્ષમ ન હોય તો રાજ્યપાલ એનસીપીને સરકાર રચવાની તક આપી શકે છે અને જો એનસીપી પણ ઇનકાર કરે તો રાજ્યપાલ ચૂંટણી અગાઉ યુતિ કરી ચૂકેલી ભાજપ-શિવસેનાના નેતાઓને પણ એકસાથે બોલાવીને સરકાર રચવાનું નિમંત્રણ આપી શકે છે. આ પ્રયાસ પણ નિષ્ફળ જાય તો રાજ્યપાલ એનસીપી-કૉંગ્રેસના નેતાઓને પણ બોલાવી શકે છે. ટૂંકમાં રાજ્યપાલ પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે અને તેઓ પોતાની વિવેકબુદ્ધિ અને સૂઝબૂઝ પ્રમાણે રાજ્યમાં સ્થિર અને મજબૂત સરકાર રચવાના વિકલ્પો તપાસી શકે છે. આ બધા વિકલ્પો નિષ્ફળ જાય પછી તેઓ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરી શકે છે.
મરાઠા અનામત સહિતના મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કરનારા સિનિયર વકીલ વી. એ. થોરાતે કહ્યું હતું કે રાજ્યપાલ એક પછી એક પાર્ટી અને ગઠબંધનોને સરકાર રચવાનું નિમંત્રણ આપે અને શક્યતા તપાસે એમાં થોડો સમય જશે. પહેલા ભાજપ અને હવે શિવસેના અને ત્યાર બાદ એનસીપી અને કૉંગ્રેસ તેમ જ આ પાર્ટીઓની યુતિને પણ સમય આપી શકે છે. રાજ્યપાલ આ પાર્ટીઓને નિમંત્રણમાં વિધાનસભામાં બહુમતી 
પુરવાર કરવાનું કહેતા હોય છે. તમામ વિકલ્પો નિષ્ફળ નિવડે ત્યાર બાદ રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરે છે. થોરાતના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ એક પછી એક શક્યતા તપાસે ત્યાં સુધી જનતા પાસે તો થોભો અને રાહ જુઓનો જ  વિકલ્પ છે. 
થોરાતના દાવા પ્રમાણે ભાજપ સરકાર રચવાની અસમર્થતા જાહેર કરી ચૂકયો હોવાથી હવે અન્ય કોઇ પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ન બનાવી શકે. જોકે, બૉમ્બે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અમિત દેસાઇના જણાવ્યા પ્રમાણે ભાજપ અને શિવસેનાએ હજુ સુધી યુતિ તોડવાની સત્તાવાર ઔપચારિક જાહેરાત કરી નથી તેથી યુતિની સરકારની શક્યતા પણ તપાસી શકાય.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer