રામનવમીથી રામમંદિર નિર્માણનો પ્રારંભ

અયોધ્યા, તા. 11 : ભવ્ય રામમંદિરનું નિર્માણ આગામી વર્ષે એપ્રિલમાં રામનવમીના દિવસથી શરૂ કરાય તેવી સંભાવના છે અને વિહિપ મોડેલ મુજબ, 4થી 5 વરસ લાગશે એ જોતાં સંઘના 100મા સ્થાપના દિવસની ઉજવણી વખતે મંદિર તૈયાર હોય, તેવા પ્રયાસો રહેશે. 
રામનવમી 2020માં બીજી એપ્રિલનાં આવે છે અને આ પર્વ ભગવાન શ્રી રામના જન્મનો ઉત્સવ છે. વિશ્વ હિન્દુપરિષદ (વિહિપ)ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, રામમંદિર નિર્માણના પ્રારંભ માટે તેનાથી શ્રેષ્ઠ કોઇ જ તારીખ ન હોઇ શકે.
ટ્રસ્ટની રચના માટે ત્રણ માસની સમયમર્યાદા ફેબ્રુઆરીમાં પૂરી થઇ રહી છે. ત્યાં સુધીમાં તમામ તૈયારી પૂરી કરી લેવાશે. 
રામ નવમીથી મંદિર નિર્માણ શરૂ કરવા માટે અમે સરકાર સાથે ચર્ચા કરીશું તેવું વિહિપ નેતાએ જણાવ્યું હતું. 
ગુજરાતના આર્કિટેકટ ચન્દ્રકાન્ત સોમપુરાએ બનાવેલી ડિઝાઇન મુજબની રામમંદિરની પ્રતિકૃતિ અયોધ્યામાં કારસેવક પુરમમાં મુકાઇ છે.
વિહિપ મંદિર નિર્માણ અને તેના માટે ભંડોળ એકઠું કરવાની પદ્ધતિઓ પર કામ કરવા માટે ટૂંક સમયમાં માર્ગદર્શક મંડળની એક બેઠક યોજાશે. 
કારસેવક પુરમમાં કાર્યશાળા પણ પુન: પથ્થરો કોતરણી સહિતના વ્યાયામથી ચાલુ માસના અંત સુધીમાં ધમધમી ઊઠશે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer