ગુજરાતમાં 50 હેકટરથી વધુ વિસ્તાર ધરાવતા 13 ટાપુઓને પ્રવાસનધામ તરીકે વિકસાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : રાજ્યમાં 50 હેકટરથી વધુ વિસ્તાર ધરાવતા 13 ટાપુઓને પ્રવાસનધામ તરીકે વિકસાવવા અંગે આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આઇલૅન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટીની દ્વિતીય બેઠકમાં ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ટાપુઓમાં પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમ જ કેડિયા બેટનો સમાવેશ થાય છે. આ તમામ 13 ટાપુઓનો ડ્રોન ટેકનૉલૉજી દ્વારા મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. 
ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને 144થી વધુ આઇલૅન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પૉલિસી સુસંગત રાજ્યના આઇલૅન્ડ ટાપુઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત અૉગસ્ટ માસમાં આઇલૅન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટીની રચના કરી છે. આ અૉથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. 
રાજ્યમાં વિકાસની સંભાવનાવાળા 13 ટાપુઓની પસંદગી -વિશેષતાઓ તેમ જ ભરતી વેળાની સ્થિતિ વિષયક બાબતો અંગે બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પિરોટન ટાપુ અને શિયાળ બેટ ટાપુની પ્રવાસન વિકાસ સંભાવના અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવાં વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમ જ ટાપુ પર લાઇટ હાઉસ- દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે . એવી જ રીતે શિયાળ બેટ ટાપુના સંદર્ભમાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, નજીકના પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ-સુવઇ બેટનું અંતર તેમ જ સ્થાનિક ગ્રામ પંચાયત, વીજળી અને પાઇપલાઇનથી પાણીપુરવઠો, સોનેરી રેત ધરાવતો સમુદ્ર પટ-બીચને પરિણામે ત્યાં પણ પ્રવાસન વિકાસ સંભાવના રહેલી છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer