અયોધ્યા : મુસ્લિમો રિવ્યૂ પિટિશન કરે એવું વિહિપને નથી લાગતું

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 11 : વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)નું માનવું છે કે, અયોધ્યામાં શ્રીરામમંદિર નિર્માણ બાબતમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લઈને મુસ્લિમ સમાજ કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પુનર્વિચાર અરજી (રિવ્યૂ પિટિશન) કરશે નહીં.
વિહિપના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ અને સાફ થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં લાગતું નથી કે મુસ્લિમ સમુદાય કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ રિવ્યૂ પિટિશન કરશે. તેમણે રામમંદિર નિર્માણ વિશે જણાવ્યું હતું કે, મંદિરનો શિલાન્યાલ તો પહેલાં જ થઈ ગયો છે હવે તેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવાનો છે. આ નિર્માણ કાર્ય એક ટ્રસ્ટના માધ્યમથી કરવા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. હવે સરકાર કેવી રીતે ટ્રસ્ટની રચના કરે છે તે જોવાનું છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ સૂચિત ટ્રસ્ટમાં રામજન્મભૂમિ ટ્રસ્ટને સામેલ કરવામાં આવી શકે છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer