બાંદ્રાની હૉટેલમાં મળીને ઉદ્ધવે શરદ પવારનું સમર્થન માગ્યું

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે સમર્થન મેળવવા માટે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે બાંદ્રાસ્થિત પાંચતારક હૉટેલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી.
બન્ને નેતાઓ વચ્ચે ચાલેલી 45 મિનિટ લાંબી ચર્ચામાં સરકાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામ (સમાન લઘુતમ કાર્યક્રમ) વિશે ચર્ચા થઈ હતી. બન્ને નેતાઓએ મહારાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠક સમયે ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉત હતા, જ્યારે શરદ પવાર સાથે વિધાનસભા પાંખના નેતા અજિત પવાર અને સાંસદ સુનીલ તટકરે હતા. જોકે, મોડી સાંજ સુધી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે શિવસેનાના સરકાર રચવાના દાવાને સમર્થન આપવાનો નિર્ણય લીધો નહોતો અને તે કૉંગ્રેસ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે, એમ કહ્યું હતું.
ઉદ્ધવ અને સોનિયા ગાંધી વચ્ચે ફોન પર વાતચીત
મહારાષ્ટ્ર સરકાર રચવા ટેકો મેળવવા માટે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોનમાં સાત મિનિટ સુધી વાતચીત કરી હતી. ઉદ્ધવ ઠાકરેની વિનંતી પછી સોનિયા ગાંધીએ દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર સાથે વાત કરી હતી. પવાર સાથે વાત કરી તે પહેલાં સોનિયા ગાંધીએ જયપુરમાં રાખવામાં આવેલા પક્ષના વિધાનસભ્યોનાં મંતવ્યો પણ જાણવા મગ્યા હતા. સોનિયા ગાંધીએ આ મુદ્દે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો-પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ, કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે તેમ જ પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત સાથે પણ વાત કરી હતી. શિવસેનાને ટેકો આપવા સામે મહારાષ્ટ્રના નેતાઓમાં મતભેદો હતો. ઉપરાંત સોનિયા ગાંધી સુધ્ધાં શિવસેનાને ટેકો આપવા તૈયાર નહીં હોવાનું જાણવા મળ્યું છે.
પાટનગર દિલ્હીમાં કૉંગ્રેસનાં વડા સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને શિવસેનાના નેતા અનિલ દેસાઈ મળ્યા હતા. શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માગેલા સમર્થન પછી દિલ્હીમાં સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેથી શિવસેનાના નેતાઓ એકનાથ શિંદે, આદિત્ય ઠાકરે અને સુભાષ દેસાઈ રાજ ભવન સાંજે 6.45 વાગ્યે જ પહોંચી ગયા હતા. તેઓએ રાજ્યપાલ પાસે સરકાર રચવા માટે વધુ સમય માગ્યો હતો તે રાજ્યપાલે નકાર્યો હતો.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer