રાષ્ટ્રવાદીના વિધાનસભ્યોની આજે મળનારી બેઠકમાં સરકાર રચવા વિશે ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે આજે દિવસભર દિલ્હી અને મુંબઈમાં એકધારી રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. શિવસેના સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ મેળવી નહીં શકતા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ હવે રાષ્ટ્રવાદીને તે સરકાર રચી શકે છે કે કેમ તે વિશે આવતી કાલે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં ઉત્તર આપવાનું કહ્યું છે.
તેના પગલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે આવતી કાલે સવારે 11 વાગે પક્ષના નવનિર્વાચિત વિધાનસભ્યોની બેઠક બોલાવી છે તેમાં સરકાર રચવા વિશે ચર્ચા થશે. બાદમાં એક વાગે રાષ્ટ્રવાદીની કોર કમિટીની બેઠક યોજાશે. ઉપરાંત કૉંગ્રેસના બે મહત્ત્વના નેતાઓ મલ્લિકાર્જુન ખરગે અને વેણુગોપાલ આવતી કાલે મુંબઈ આવી રહ્યા છે. રાષ્ટ્રવાદીની કોર કમિટીની બેઠક બાદ પક્ષના આગેવાનો દિલ્હી આવનારા કૉંગ્રેસના નેતાઓને મળશે. તેમાં સરકાર રચવા શિવસેનાનો ટેકો લેવો કે કેમ એ વિશે ચર્ચા થશે.
કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે ચૂંટણી લડયા હતા. કુલ 288 સભ્યો ધરાવતી વિધાનસભામાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીનું સંખ્યાબળ 98 છે, જ્યારે સ્પષ્ટ બહુમતી માટે 145 સભ્યોનો ટેકો આવશ્યક છે.
શિવસેના નેતાઓ રાજ ભવનમાં રાજ્યપાલને મળીને પોતાનો પક્ષ બહુમતી સભ્યોનો ટેકો મેળવી શક્યો નહીં હોવાથી વધુ બે દિવસની મુદત આપવામાં આવે એવી વિનંતિ કરી હતી. જોકે, રાજ્યપાલે વધુ સમય આપવાની વિનંતિ નકારી હતી. બાદમાં રાજ્યપાલે રાષ્ટ્રવાદીના નેતાઓને બોલાવીને તેઓ સરકાર રચવાની ઇચ્છા અને ક્ષમતા ધરાવે છે કે કેમ એમ પૂછયું છે.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer