લતા મંગેશકરને અડધી રાતે હૉસ્પિટલમાં દાખલ કરાયાં, વાઇરલ તાવ અને મુંઝારાની તકલીફ

લતા મંગેશકરને અડધી રાતે હૉસ્પિટલમાં દાખલ કરાયાં, વાઇરલ તાવ અને મુંઝારાની તકલીફ
મુંબઈ, તા. 11 : સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્વાસોશ્વાસની તકલીફ થતાં રવિવારે મધરાત બાદ  બ્રિચ કેન્ડી હૉસ્પિટલના ઈન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. લતાદીદીના બહેન ઉષા મંગેશકરે કહ્યંy હતું કે, તેમની તબિયત સારી છે અને ચિંતાનું કોઈ જ કારણ નથી. 
28 સપ્ટેમ્બરે 90 વર્ષ પૂરાં કરનાર લતા મંગેશકરને રવિવારે મધરાત બાદ બે વાગ્યે શ્વાસોશ્વાસની તકલીફ થઈ હતી અને તેમને બ્રિચ કૅન્ડી હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. નાની બહેન ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે, લતા દીદીને વાઈરલ ઈન્ફેક્શન થયું હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વાઇરલ ઈન્ફેક્શનની સારવાર હૉસ્પિટલમાં વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. લતા મંગેશકરની ખબર કાઢવા બહેન આશા ભોસલે પણ હૉસ્પિટલ ગયાં હતાં. ગાયિકાના સંબંધી રચના શાહે પણ કહ્યું હતું કે, તેમની તબિયત સુધારાના સ્તરે છે. 
છેલ્લા સાત દાયકાથી ગાયકી ક્ષેત્રે કાર્યરત લતા મંગેશકરે હિન્દી ફિલ્મોનાં હજારો  ગીતો ગાયા છે. તે સિવાય તેમણે પ્રાદેશિક અને વિદેશી ભાષામાં પણ અનેક ગીતો ગાયા છે. ગાયિકાએ આ વર્ષે છેલ્લું ગીત ભારતીય સેનાને સમર્પિત કરતુ `સૌંગદ મુઝે ઈસ મિટ્ટી કી' ગાયું હતું. જે 30 માર્ચે રિલીઝ થયું હતું. તેમને 2001 ભારત રત્નના સન્માનથી નવાઝવામાં આવ્યાં છે. તેમ જ 1989 દાદાસાહેબ ફાળકે એવૉર્ડ પણ મળ્યો હતો.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer