એસી લોકલને કારણે સામાન્ય નાગરિકોને ત્રાસ નહીં થાય

એસી લોકલને કારણે સામાન્ય નાગરિકોને ત્રાસ નહીં થાય
મુંબઈ, તા. 11 : એસી લોકલને કારણે સાદી લોકલની સંખ્યા ઓછી કરવી ન પડે એની ઉપાય યોજના શોધવામાં આખરે મધ્ય રેલવે પ્રશાસનને સફળતા મળી છે. એસી લોકલ શરૂ થયા બાદ સાદી લોકલના પ્રથમ વર્ગના એક ડબામાં દ્વિતીય વર્ગના પ્રવાસીને પ્રવાસ કરવા દેવાની તૈયારી રેલવે પ્રશાસન દ્વારા થઈ રહી છે. આને કારણે એસી લોકલ શરૂ થયા બાદ પણ બીજા વર્ગના પ્રવાસીઓને આંશિક રાહત મળશે.
મધ્ય રેલવેની પહેલી એસી લોકલ ટ્રાન્સ હાર્બર પર દોડાવવામાં આવશે. એસી લોકલ દોડાવવા અલગ ટ્રેક ન હોવાથી એક સાદી લોકલ રદ કરી એના સ્થાને એસી લોકલ દોડાવવામાં આવશે. રદ કરાયેલી લોકલના પ્રવાસીને અન્ય લોકલના પ્રથમ વર્ગના ડબામાં પ્રવાસ કરવાની સુવિધા આપવાનું આયોજન થઈ રહ્યું છે.
હાલ થાણે-વાશી, થાણે-નેરુલ, થાણે-પનવેલ, થાણે-બેલાપુર રૂટ પર 262 ટ્રેનો દોડાવાય છે. સામાન્યપણે 12 ડબાની લોકલમાં પ્રથમ વર્ગના ત્રણ અને સેકન્ડ ક્લાસના નવ ડબા હોય છે. પ્રથમ વર્ગના એક ડબામાં સેકન્ડ ક્લાસની ટિકિટ કે પાસધારકોને પ્રવાસ કરવાની સુવિધા અપાશે.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer