મંત્રાલયનું કામકાજ સાવ ઠપ

મંત્રાલયનું કામકાજ સાવ ઠપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં થઈ રહેલા વિલંબને કારણે મંત્રાલયમાં લોકોની અવરજવર ઓછી દેખાય છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાંને બે સપ્તાહ કરતાં વધારે સમય વીતી ગયો છે. સરકાર ક્યારે રચાશે તે અંગે લોકોમાં તે વિશે સંભ્રમ પ્રવર્તે છે. તેના કારણે મંત્રાલયમાં લોકોની અવરજવર ઘટી છે. મહારાષ્ટ્રમાં હાલ દેવેન્દ્ર ફડણવીસ રખેવાળ સરકારનું પ્રતિનિધિત્વ કરે છે.
સોમવાર હોવા છતાં મહારાષ્ટ્રના ખૂણેખાંચરેથી મંત્રાલયમાં કામ લઈને આવનારા સામાન્ય નાગરિકોની સંખ્યા ઘટી છે. વહીવટી કર્મચારીઓ રૂટીન કામોમાં વ્યસ્ત છે. જોકે, નીતિવિષયક અથવા મહત્ત્વનાં કામો માટે સંભ્રમ પ્રવર્તે છે. હાલ ડેપ્યુટેશન ઉપર આવેલા પર્સનલ સેક્રેટરી, અૉફિસર અૉન સ્પેશિયલ ડયૂટી અને પસર્નનલ સેક્રેટરીઓને મૂળ હોદ્દા ઉપર પાછા ફરવું પડે એવા સંજોગો છે. તેઓને પાછા પોતાના ખાતામાં ફરવું પડે એવા સંજોગો છે. સામાન્ય વહીવટ ખાતા તરફથી તે અંગેનો અૉર્ડર નીકળ્યો નથી. આમ છતાં મંત્રાલયમાં વહીવટ ઠંડો પડયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વહીવટી તંત્ર ઠપ થવાને લીધે રખેવાળ સરકાર નીતિવિષયક નિર્ણય લઈ શકે એમ નથી. તેથી દુષ્કાળ રાહતનાં પગલાં ભરવામાં નિર્ણયનો અમલ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. અનેક ફાઇલો પેન્ડિંગ હોવા છતાં જનહિતના નિર્ણય લઈ નહીં શકાય. સામાન્ય વહીવટ ખાતા તરફથી આદેશ આવે પછી તેમને કચેરીઓ અને વાહનો છોડવા પડી શકે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer