સંજય રાઉતની છાતીમાં દુખાવો ઊપડયો, લીલાવતીમાં ઍડમિટ

સંજય રાઉતની છાતીમાં દુખાવો ઊપડયો, લીલાવતીમાં ઍડમિટ
મુંબઈ, તા. 11  (પીટીઆઈ) : શિવસેનાના નેતા સંજય રાઉતએ છાતીના દુ:ખાવાની ફરિયાદ કરી પછી તેમને સોમવારે બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાઉતને બપોરે 3.30 વાગે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને છાતીમાં સહેજ દુ:ખાવો થયો પછી તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉ. જલીલ પારકર કરી રહ્યા છે. 
લીલાવતી હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય રાઉત બે દિવસ પહેલાં હૉસ્પિટલમાં રુટિન ચેક-અપ માટે આવ્યા હતા. તેમાં ઈ.સી.જી. બાદ અન્ય કેટલાંક પરીક્ષણ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ફરી હૉસ્પિટલમાં આવવાનું કહેવામાં આવ્યું હતું તેમના ઉપર એન્જ્યોગ્રાફી કરવી કે કેમ તે વિશે પછીથી નિર્ણય લેવામાં આવશે.
સંજય રાઉત રાજ્યસભાના સભ્ય અને શિવસેનાના મુખ્યપત્ર `સામના'માં તંત્રી છે. તેમના ભાઈ અને શિવસેનાના વિધાનસભ્ય સુનીલ રાઉતએ જણાવ્યું હતું કે સંજય રાઉતને હૉસ્પિટલમાંથી આવતી કાલે રજા આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત 24મી અૉક્ટોબરે જાહેર થયા પછી, રાઉત `સામના'માં અને પ્રસાર માધ્યમો સમક્ષ દરરોજ શિવસેનાની ભૂમિકા સતત રજૂ કરતા હતા.
મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક બાદ સંજય રાઉતની તબિયત બગડી હતી. મામલો એટલો ગંભીર થઈ ગયો હતો કે, રાઉતને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer