આજે બાણગંગા ખાતે મહાઆરતી : હજારથી વધુ દીવા ઝળહળશે

આજે બાણગંગા ખાતે મહાઆરતી : હજારથી વધુ દીવા ઝળહળશે
મુંબઈગરાઓ માટે વારાણસીની ગંગા આરતીની અનુભૂતિ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મંગળવારે (આજે) કાર્તિકી પૂર્ણિમાના અવસરે મુંબઈના ઐતિહાસિક તિર્થસ્થાન બાણગંગા એક હજાર દિવાથી ઝળહળા થશે અને વારાણસીમાં ગંગા આરતી થાય છે એ રીતે બાણગંગા મહાઆરતી કરાશે. રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમટીડીસી) અને ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય મહાઆરતી મંગળવારે સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ઇસ્કોન)ના અધ્યાત્મિક ગુરુ ગૌરાંગ પ્રભુની મુખ્ય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
વર્ષ 2016ની કાર્તિક પૂર્ણિમાએ શરૂ કરાયેલા મહાઆરતીના કાર્યક્રમનું આ સતત ચોથું વર્ષ છે. જીએસટી ટેમ્પલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેટર રૂત્વિક ઔરંગાબાદકરના જણાવ્યા પ્રમાણે કેટલાય વર્ષોથી અમે બાણગંગામાં પરંપરાગત દિપોત્સવ ઉજવતા આવ્યા છીએ અને વર્ષ 2016થી મહાઆરતીની શરૂઆત કરી છે. જે લોકો વારાણસી ગંગાપૂજા માટે જઇ ન શકે એવા શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય વાતાવરણની અનુભૂતિ બાણગંગા ખાતે થાય એવો અમારો હેતુ છે. દર વર્ષે આ કાર્યક્રમને વધુને વધુ સફળતા અને સહયોગ મળતો જાય છે.
તાજેતરમાં અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ આવી ગયો તેથી આ વર્ષે ઉત્સાહ બેવડાયો છે. રામ મંદિરનો માર્ગ મોકળો થયો એની ઉજવણી મુંબઈમાં કરી શકાય એ માટે આ વખતે મહાઆરતીમાં પાંચ હજારથી વધુ લોકો ભાગ લેશે અને આ એક અદ્ભૂત અવસર બની રહેશે. 
વર્ષ 1879માં રજિસ્ટર્ડ જીએસબી ટેમ્પલ ટ્રસ્ટ તેની સ્થાપના થઇ ત્યારથી જ વાલકેશ્વર અને બાણગંગા પરિસરનો વહીવટ સંભાળે છે. એક ટ્રસ્ટ પાસે પ્રોપર્ટી કાર્ડ એ અસામાન્ય કહેવાય, પરંતુ અમારા ટ્રસ્ટને આ વિસ્તારના પ્રોપરાઇટરી અધિકાર અપાયેલા છે. હાલમાં ટ્રસ્ટ આ પરિસરોની જાળવણી અને કાયાકલ્પની યોજનામાં છે, એમ ટ્રસ્ટના ચૅરમૅન પ્રવિણ કાનવિંદેએ કહ્યું હતું.
 

Published on: Tue, 12 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer