મહારાષ્ટ્રમાં અનિશ્ચિતતા જારી : કૉંગ્રેસના હાથમાં ચાવી

મહારાષ્ટ્રમાં અનિશ્ચિતતા જારી : કૉંગ્રેસના હાથમાં ચાવી
રાષ્ટ્રપતિશાસન ટાળવાનો આખરી પ્રયાસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.11: દેશનાં રાજકારણમાં આજે એક મહાવળાંક આવ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સારા-નરસા સમયમાં એકબીજાનાં અતૂટ ભાગીદાર રહેનાર ભાજપ અને શિવસેના વચ્ચે આખરે આજે ભંગાણ થઈ ગયું છે. શિવસેનાએ પોતાની વિચારધારાથી સદંતર સામા છેડાનાં ગણાય તેવા એનસીપી સાથે જોડાણ અને કોંગ્રેસનાં બહારથી સમર્થન સાથે મહારાષ્ટ્રમાં સરકાર રચવા કમર કસી લીધી હતી. જો કે એનસીપીની શિવસેના સાથે જોડાવાની તૈયારી છતાં કોંગ્રેસે પંજાની મુઠ્ઠી વાળી રાખતા સાંજ સુધી મગનું નામ મરી પાડયું નહોતું. બીજીબાજુ શિવસેનાએ આજે રાજ્યપાલને મળીને સરકાર રચવા માટે ત્રણ દિવસનો સમય માગ્યો હતો પણ રાજ્યપાલે તે આપવા ઈનકાર કરીને રાજ્યની ચૂંટણીમાં સૌથી મોટા ત્રીજા પક્ષ તરીકે ઉપસી આવેલા એનસીપીને સરકાર રચવા નિમંત્રણ પાઠવીને એક દિવસનો સમય આપી દીધો હતો. જેને પગલે સત્તાનું કોકડું વધુ ગૂંચવાઈને આખી સાઠમારી સસ્પેન્સ સાથે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. હવે એનસીપીએ શિવસેનાનું સમર્થન લઈને સરકાર બનાવવાની થતી હોવાથી બન્ને પક્ષો વચ્ચે નવેસરથી વાટાઘાટો અને સત્તાની સોદાબાજી ચાલે તો જ આ કોકડાંનો ઉકેલ આવી શકે છે.
એનસીપી અને કોંગ્રેસને સાથે લેવા એનડીએ સાથે છેડો ફાડવાની શરત પણ માનીને શિવસેનાનાં નેતા અરવિંદ સાવંતે આજે કેન્દ્રની એનડીએ સરકારનાં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. જો કે આખો દિવસ ચાલેલા બેઠકોનાં ધમધમાટમાં શિવસેના સાથે યુતિ કરવાનો આખરી નિર્ણય શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપર ઢોળી દીધો હતો. સોનિયા ગાંધીએ પણ આજે મગનું નામ મરી પાડવાનું ટાળી દીધું હતું. બીજીબાજુ આદિત્ય ઠાકરેની આગેવાનીમાં આજે શિવસેનાનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને સરકાર રચનાનો દાવો કરવા ત્રણ દિવસનો સમય માગ્યો હતો. પરંતુ રાજ્યપાલે તે નકારીને એનસીપીને તક આપવાનો નિર્ણય કરી લીધો હતો.
ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અસમર્થતા દેખાડી દીધા પછી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને નિમંત્રણ આપેલું અને આજે સાંજે 7.30 કલાક પહેલા શિવસેનાએ સરકાર રચના માટે સંખ્યાબળ કેળવી લેવાનું હતું. આમ શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરે માટે આજે સમય સામે જંગ સમાન દિવસ બની ગયો હતો. ઠાકરે પરિવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા દૃઢ નિશ્ચયી બન્યો હતો ત્યારે આજનો દિવસ ઉદ્ધવ માટે પોતાની રાજકીય કારકીર્દિનાં સૌથી મોટા પડકાર અને સીમાચિહ્ન સમાન બની ગયો હતો. 
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની આંતરિક બેઠકોનો ધમધમાટ આજે આખો દિવસ ચાલ્યો હતો. આ દરમિયાન સત્તાનું સમીકરણ બેસાડવા માટે ઉદ્ધવ ઠાકરે ખુદ એનસીપીનાં વડા શરદ પવારને મળવા પણ ગયા હતાં. જ્યાં સત્તાની ભાગીદારી માટે સોદાબાજી થઈ હતી. આ બેઠક પછી પણ શરદ પવારે કોઈ અંતિમ નિર્ણય લેવાનું ટાળતા શિવસેનાનાં નેતૃત્વવાળી સંભવિત સરકારમાં જોડાવા અંગે ફેંસલો કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપર છોડી દીધો હતો. જેને પગલે દિલ્હીમાં કોંગ્રેસનાં મોવડી મંડળની બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer