કાંદાના જથ્થાબંધ વેપારીઓની IT દ્વારા ઝડતી

પુણે, તા. 12 : આવકવેરા વિભાગે લાસલગાંવમાં કાંદાની જથ્થાબંધ બજારમાંના ચાર મોટા વેપારીઓની અૉફિસો અને ગોડાઉનો પર સર્ચની કામગીરી હાથ ધરી હતી.
આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ સર્ચની કામગીરી હાથ ધરાઈ હતી, જે ખાસ તો સરકાર દ્વારા 500 ક્વિન્ટલની સ્ટોકમર્યાદાનું કોઈ ઉલ્લંઘન કરાયું હતું કે નહીં તે જાણી લેવાના હેતુસરની હતી. નાસિક જિલ્લામાં 15 ઠેકાણે 11 વેપારીઓ સામે પણ સર્ચની કામગીરી આઈટી વિભાગે હાથ ધરી હતી, જેમાં 4 વેપારીઓ લાસલગાંવના છે.
આ સર્ચની કામગીરી બપોરે શરૂ કરાઈ હતી, જેના લીધે વેપારીઓમાં ડર સળવળ્યો હતો અને લાસલગાંવ તથા નાસિકની અન્ય માર્કેટોમાં તેની અસરે ઓકશનની કામગીરી અટકી પડી હતી. સતના, કલવા, નાસિક અને પિમ્પલગાંવ ખાતે સર્ચની કામગીરી હાથ ધરાઈ હતી.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer