અર્બન સહકારી બૅન્કો પર લગામની તૈયારી

મુંબઈ, તા. 12 : અર્બન કો-અૉપરેટીવ બૅન્કો (યુસીબી) પર નવા નિયમનકારી માળખા અંતર્ગત તેના કારોબાર માટે રૂા. 20,000 કરોડની મર્યાદા નક્કી કરાય એવી શક્યતા છે. ઉપરાંત યુસીબીની ખાસ કામગીરી જેવી કે રિયલ્ટી ક્ષેત્ર સંબંધિત પ્રવૃત્તિ પર લગામ લગાડાય જેથી તેઓના કારોબારને વધતો નિયંત્રિત કરી શકાય. આ એટલા માટે કરાઈ રહ્યું છે કે તેઓના કામકાજ પર ધ્યાન રાખવાની પૂરતી વ્યવસ્થા નથી.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા અને નાણામંત્રાલય વચ્ચે યુસીબી માટે નિયમનકારી પગલાં અને બિઝનેસ વૃદ્ધિ વગેરેના પગલાં લેવા અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. ખાસ તો પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટીવ બૅન્ક (પીએમસી બૅન્ક)માં નાણાકીય અનિયમિતતા સામે આવતા યુસીબી માટે નિયમો કડક બનાવાઈ રહ્યા છે. અગાઉ યુસીબી વિશે આર. ગાંધી અને વાઈ. એચ. માલેગામ સમિતિની 2015 અને 2001ના રિપોર્ટમાં આ ક્ષેત્ર માટે વિગતે સૂચનો કરાયા છે. આ બંને રિપોર્ટ નવા નિયમો માટેના આધારપૂર્ણ મુદ્દા બની શકે.
યુસીબી માટે લઘુતમ નેટવર્થના નિયમો ઈસ્યૂ કરવા અંગે ખાસ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દાઓને ધ્યાનમાં લેતા તે જવાબદારીઓને નિભાવવાના હેતુસરના રહ્યા છે. યુસીબીને ચોક્કસ કદ-પ્રમાણમાં ડિપોઝિટ ઊભી કરવાની છૂટ અપાઈ છે અને થોડાઘણા અંશે તેને વીમાપાત્ર રકમ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આમ તો યુસીબી મોટી કમર્શિયલ બૅન્કો હોવાનું મનાતું નથી. આ બૅન્કો સેટલમેન્ટ સિસ્ટમનો એક હિસ્સો છે એટલે તેના પર ધારાધોરણો એવા ચુસ્ત ન હોવા જોઈએ.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer