મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં એક બાજુ રાજકીય પક્ષો વચ્ચે સત્તા માટેની સાંઠમારી ચાલી રહી છે ત્યારે શિવસેનાનો ગઢ ગણાતી મુંબઈ મહાપાલિકા દ્વારા નિયુક્ત મોટા કોન્ટ્રાક્ટરોને ત્યાં આવકવેરાએ દરોડા પાડયા છે.
સૂત્રના જણાવ્યા મુજબ પાલિકાના વિવિધ કાર્યો કરતા ત્રણ મોટા બિઝનેસ ગ્રુપને ત્યાં થોડા દિવસથી દરોડા પડી રહ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકા એશિયા ખંડની સૌથી અમીર મહાપાલિકા છે.
જાણવા મળ્યા મુજબ આવકવેરાના અધિકારીઓને ખોટા ખર્ચાઓ અને શૅરના પ્રીમિયમને વધુ પડતો જણાવી મૂડીના ટ્રાન્સફર દ્વારા 275 કરોડ રૂપિયાની વિસંગતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપ અને શિવસેના વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરાના અધિકારીઓ સોમવાર સાંજ સુધી તપાસ ચલાવી રહ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ બિનહિસાબી આવકનો આંકડો 300 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. જોકે, દરોડા દરમિયાન ખાસ રોકડ રકમ મળી નથી.
Published on: Tue, 12 Nov 2019