મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપનાનું ચિત્ર આજે સ્પષ્ટ થવાની ધારણા હતી તે ચિત્ર હવે વધુ ગૂંચવાયું છે. સત્તા સ્થાપના માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સર્વેસર્વા શરદ પવાર સાથે ચર્ચા કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ જે આજે મુંબઈ આવવાનું હતું તેણે પોતાનો કાર્યક્રમ શરદ પવારના કહેવાથી રદ કર્યો છે. જોકે, કૉંગ્રેસે સત્તા સ્થાપન અંગે ચર્ચા વિચારણા કરવા બે દિવસનો સમય માગ્યો હોઈ હવે ફરી બોલ ગવર્નરની કોર્ટમાં ગયો છે. સત્તા સ્થાપન માટે રાષ્ટ્રવાદીને ગવર્નરે આજે રાતનો સાડા આઠ વાગ્યાનો સમય નક્કી કર્યો છે, પરંતુ કૉંગ્રેસે હજી કોઈ નિર્ણય લીધો નહીં હોવાથી રાષ્ટ્રવાદી સત્તા સ્થાપન માટે આજે દાવો કરશે કે નહીં તે અંગે શંકા છે. જોકે, આજે સાંજે કૉંગ્રેસના અને રાષ્ટ્રવાદીના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાવાની છે અને તે પહેલા શરદ પવાર હૉસ્પિટલમાં જઈ શિવસેનાના નેતા સંજય રાઉતની મુલાકાત લેવાના હોય કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી અને શિવસેનાની સરકાર બને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં શિવસેનાએ સત્તા સ્થાપન માટેની આશા છોડી નથી. એક અહેવાલ મુજબ કૉંગ્રેસ - રાષ્ટ્રવાદીને સત્તા સ્થાપન માટે ટેકો જાહેર કરે તો રાષ્ટ્રવાદી શિવસેનાની મદદથી સત્તા સ્થાપન દિશામાં આગળ વધી શકાય, પરંતુ કૉંગ્રેસે હાલ મગનું નામ મરી નહીં પાડતા રાષ્ટ્રવાદીના સત્તા સ્થાપનનું સ્વપ્ન સાકાર થશે કે કેમ તે અંગે શંકા છે.
જ્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આજે પક્ષના વિધાનસભ્યોને જે હૉટેલમાં રાખવામાં આવ્યા છે ત્યાં સવારે જઈ તેઓની મુલાકાત લેવાના છે. રાજકીય નિરીક્ષકોના મતે આ પગલું હતાશ વિધાનસભ્યોને પાનો ચઢાવવા માટેનું પણ હોઈ શકે અથવા તો હજી શિવસેના માટે સત્તા સ્થાપનમાં અગત્યની ભૂમિકા ભજવવાની તક છે તે ગળે ઉતારવાનું હોઈ શકે.
દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકાર બનાવવા પહેલા આઘાડીના નિયમ અને શરતો પર ચર્ચા થશે. નવી સરકાર સ્થાપન કરવાની અપેક્ષા વધી છે. અમને વિશ્વાસ છે કે અમે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાની સરકાર બનાવીશું. શિવસેનાનો પ્રસ્તાવ જ અમે નકારી કાઢ્યો નથી. તેને લઈ રાજ્યમાં મહાશિવ આઘાડીની સરકાર બનાવવાની તક હજી હાથમાં છે.
છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજ્યપાલને મંજૂરીપત્ર આપવામાં મોડું થવા અંગે એનસીપી અને કૉંગ્રેસ એક બીજા પર ઠીકરું ફોડી રહ્યાં છે. આ કારણે રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસના નેતાઓને મનદુ:ખ થયું છે આમ છતાં શરદ પવાર મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપન માટે છેલ્લી ઘડીના મરણિયાં પ્રયાસો કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
Published on: Tue, 12 Nov 2019
શરદ પવારના આખરી પ્રયાસ
