એશિયન બજારોમાં સુધારા વચ્ચે સ્થાનિકમાં અનિશ્ચિતતાનો માહોલ

એશિયન બજારોમાં સુધારા વચ્ચે સ્થાનિકમાં અનિશ્ચિતતાનો માહોલ
સરકારી પ્રોત્સાહન વચ્ચે શૅરબજારમાં વધતી નીરસતા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : હૉંગકૉંગમાં લોકશાહી તરફી આંદોલનમાં પુન: હિંસા ભડકવાથી સોમવારે હેંગસેંગ 2.5 ટકા તૂટયા પછી મંગળવારે થોડો સુધારો હતો. ચીન-અમેરિકા વચ્ચેની વેપાર સંબંધી મંત્રણા આગળ વધવાથી એશિયાનાં તમામ મુખ્ય શૅરબજારો આજે સુધર્યાં હતાં. ચીન ખાતેનો શાંઘાઈ કૉમ્પોઝિટ ઇન્ડેક્સ 0.17 ટકા અને શેઝેન કૉમ્પોઝિટ ઇન્ડેક્સ 0.17 ટકા સુધારે હતો. જપાન ખાતે નિક્કી 0.81 ટકા અને દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી 0.79 ટકા વધ્યા હતા, જ્યારે એશિયાનો મુખ્ય એનએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.49 ટકા વધ્યો હતો.
વૈશ્વિક બજારમાં સુધરતા વાતાવરણ વચ્ચે ટ્રમ્પ સામે શરૂ થયેલ ઇમ્પિચમેન્ટની તપાસનો દોર બજારમાં મુખ્ય ચિંતાનું કારણ બનેલ છે. જોકે, ચીન-અમેરિકાની વેપાર વાટાઘાટો અંગે એક અમેરિકન અધિકારીએ જણાવ્યું છે કે `ટેરિફ વધારો આંશિક પાછો ખેંચવા માટે બંને પક્ષો વચ્ચે સંમતિ સધાઈ છે.' આ અંગે ટીડી સિક્યોરિટીસના ઊભરતી અર્થવ્યવસ્થાના દેશોના વ્યૂહકાર મિતુલ કોટેચાએ જણાવ્યું છે કે આ મુદ્દે પ્રાપ્ત થતા તમામ સંકેતોનો શૅરબજારમાં પડઘો પડે છે. અત્યારની સ્થિતિ જોતાં જણાય છે કે ડિસેમ્બર '19 સુધીમાં ફાઇનલ વાટાઘાટ સંપન્ન થવાની સંભાવના છે. ડોઇશ બૅન્કના વ્યૂહકાર સમીર ગોયેલે જણાવ્યું છે કે શૅરની ભાવ સપાટી થોડી વધવાના સંકેત જોતાં બજારો વધવાની સંભાવના છે.
એશિયન બજારોની સ્થાનિકમાં અસર અને ભારતની અર્થવ્યવસ્થાના અત્યારના નબળા અને પડકારજનક સંજોગ જોતાં એનએસઈ ખાતે નિફ્ટીમાં હવે ઊંચામાં 12000-12050નો પ્રતિકાર ઝોન મોટો અવરોધ ગણાશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બજારમાં પ્રત્યાઘાતી ઘટાડો શરૂ થવાના સંજોગમાં નિફ્ટી પુન: 11700  નીચે 11550 ટેસ્ટ કરી શકે છે. જોકે, ડિસેમ્બરમાં ચીન-અમેરિકાની વેપાર વાટાઘાટ પાર પડે અને ભારતમાં સરકારી પ્રોત્સાહનોની અસરથી બજારની સરેરાશ સુધરે તો શૅરબજારમાં નવેસરથી સુધારો શરૂ થઈ શકે છે. ટૂંકાગાળામાં (નવેમ્બર અંત સુધી) બજાર મંદી ઝોકના કારણે ટૂંકજીવી ઉછાળા દર્શાવી શકે છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer