ક્રૂઝ પર્યટન માટે નિયમોને હળવા કરવા વિચારણા

ક્રૂઝ પર્યટન માટે નિયમોને હળવા કરવા વિચારણા
મુંબઈ, તા. 12 : ઝડપથી વિકસી રહેલા ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ક્રૂઝ સંચાલકો માટેના નિયમનો હળવા કરવાનું વિચારી રહી છે. 
મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ભાટિયાએ અહીં કહ્યું કે ક્રૂઝ જહાજ મારફત પ્રવાસ કરનારાઓની સંખ્યા આવતા પાંચ વર્ષમાં દસ લાખની થાય તે દિશામાં સરકારના પ્રયત્નો છે. 
બે વર્ષમાં ભારતીય બંદર ઉપર આવતા ક્રૂઝ જહાજોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ થઈ હોવાનું કેન્દ્રના રાજ્ય કક્ષાના શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયાએ તાજેતરમાં જણાવ્યું હતું. વર્ષ 2017-18માં મુંબઈ, ચેન્નાઈ, કોચીન, મેંગલોર અને માર્મુગુઆ સહિતના પાંચ બંદરે કુલ 138 ક્રૂઝ જહાજો લાંગર્યા હતા અને 1.76 લાખ પ્રવાસીઓએ સફર કરી હતી. 
માંડવીયાએ કહ્યું કે, ``વર્ષ 2018-19માં ભારતીય બંદરે જનારા ક્રૂઝ જહાજોની સંખ્યા વધીને 285 થઈ હતી અને આ વર્ષે તે વધીને 593 ક્રૂઝનો થવાનો અંદાજ છે. દેશમાં ક્રૂઝ પર્યટનને વિકસાવવા માટે સરકારે લીધેલાં પગલાંને કારણે આ શક્ય બન્યું છે. બે પોર્ટ કોલકાતા અને વિઝાગને ક્રૂઝ પર્યટન માટે વિકસાવાઈ રહ્યાં છે અને ટૂંક સમયમાં ત્યાં પણ ક્રૂઝ સેવા શરૂ થશે.''
ઈટલીના ફ્લેગવાળું  ક્રૂઝ કોસ્ટા વિક્ટોરિયા ચોથી વાર ભારતમાં આવ્યું તે નિમિત્તે માંડવીયા મુંબઈ આવ્યાં હતાં. માંડવીયાએ કહ્યું કે, ``પર્યટન ક્ષેત્રનો સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ ક્રૂઝ પર્યટન છે. ભારત માટે તે રોજગાર સર્જનનો મોટો ત્રોત છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer