સોનાની આયાત અૉક્ટો.માં 46 ટકા ઘટી

સોનાની આયાત અૉક્ટો.માં 46 ટકા ઘટી
મુંબઈ, તા.  12 : સોનાના ભાવ ઊંચા જાય છે તેમ તેમ તેની માગ ઠંડી પડતી જાય છે, જેની સીધી અસર આયાત પર પડી છે. સોનાની આયાત સતત ચાર મહિનાથી ઘટી રહી છે અને અૉક્ટોબરમાં વાર્ષિક ધોરણે 46 ટકા ઘટીને 20.8 ટન થઈ ગઈ હતી. જો કે, સપ્ટેમ્બરની 13.5 ટનની આયાત કરતાં આ જથ્થો વધારે છે.
2019ના પ્રથમ દસ મહિનામાં સોનાની સત્તાવાર આયાત વાર્ષિક ધોરણે 14.5 ટકાના ઘટાડે 541.4 ટન થઈ હતી, એમ માહિતગાર સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
ભારતમાં સોનાનો વપરાશ આ વર્ષે ઘટીને 700-750 ટન થવાનો અંદાજ છે, જે 2016 પછીની સૌથી નીચી સપાટી છે. સોનાના ભાવમાં બેફામ વધારો અને આર્થિક મંદીની બેધારી તલવારથી સોનાની માગ સતત ઘટી રહી છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે. મુંબઈમાં સોનાનો વાયદો આ વર્ષે 20 ટકા વધીને સપ્ટેમ્બરના પ્રારંભમાં 10 ગ્રામ દીઠ રૂા. 39885 બોલાયો હતો.
વર્ષના છેલ્લા, ડિસેમ્બર ત્રિમાસિકમાં દિવાળીના તહેવારો અને લગ્નસરાને કારણે સોનાની માગ સામાન્ય રીતે મજબૂત હોય છે, પરંતુ આ વર્ષે ધનતેરસના દિવસે ગ્રાહકોને આકર્ષવા ઝવેરીઓએ અનેક યોજનાઓ જાહેર કરી હોવા છતાં સોનાનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં ચાલીસેક ટકા જેટલું ઓછું હતું.
સ્થાનિક માગ ઠંડી રહેવાથી ભારતની સૌથી ઝવેરાત કંપની ટાઈટનનો નફો અપેક્ષા કરતાં ઓછો આવ્યો છે અને તેણે અૉક્ટોબર-માર્ચમાં વેચાણવધારાનો અંદાજ અગાઉના 20 ટકાથી ઘટાડીને 11-13 ટકા કરવો પડયો છે.
``મોટા ઝવેરીઓ માટે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વેચાણ વધારો મૃગજળ સમાન સાબિત થયો હતો કેમ કે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેમ જ આયાત જકાતમાં ભારે વધારો થવાથી ઝવેરાતની નવી ખરીદીમાં ઓટ આવી હતી,'' એમ એચડીએફસીએ એક નોંધમાં જણાવ્યું હતું.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer