વધુ એક વ્હીસલબ્લોવરે ઇન્ફોસીસના સીઈઓ પર લગાવ્યો આરોપ

વધુ એક વ્હીસલબ્લોવરે ઇન્ફોસીસના સીઈઓ પર લગાવ્યો આરોપ
બેંગલુરુ, તા. 12 : આઈટી માંધાતા ઇન્ફોસીસ પર કેટલાંક સપ્તાહ પહેલાં તેના ટોચના અધિકારીઓ દ્વારા કથિતપણે અનૈતિક કામકાજ અંગે એક વ્હીસલબ્લોવરે કરેલી ફરિયાદ બાદ તેવો જ વધુ એક પત્ર કંપનીના સીઈઓ સલીલ પારેખના નામે બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તેઓ ગેરરીતિ આચરતા હોવાની ફરિયાદ સાથે કંપનીના બોર્ડને તેમની વિરુદ્ધ કારવાઈનો અનુરોધ કરવામાં આવ્યો છે.
નાણાં વિભાગમાં કાર્યરત કર્મચારી હોવાનો દાવો કરતાં આ વ્હીસલબ્લોવરે જણાવ્યું હતું કે આ બાબત `સ્ફોટક' હોવાથી પોતે સર્વાનુમતે ફરિયાદ કરી રહ્યો છે અને તેને શંકા છે કે પોતાની ઓળખ થવા પર બદલાની કારવાઈ કરાશે.
હું આપની સમક્ષ કેટલીક હકીકતો લાવવા માગું છું જે કંપનીની વૅલ્યૂ સિસ્ટમને ઝાંખી પાડી રહી છે. હું ધારું છું કે એક કર્મચારી અને શૅરધારક તરીકે વર્તમાન સીઈઓ સલીલ પારેખના દુષ્કૃત્યો પ્રત્યે આપનું ધ્યાન દોરવાની મારી ફરજ છે અને મને આશા છે કે આપ સાચા અર્થમાં આપની જવાબદારી નિભાવશો એમ તારીખ વિનાના વ્હીસલબ્લોવરના પત્રમાં જણાવાયું હતું.
ડૉ. વિશાલ સિક્કાની વિદાય બાદ નવા સીઈઓ નીમવા માટે રખાયેલી પેઢીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ હોદ્દો બેંગલુરુસ્થિત છે છતાં જોડાયાના એક વર્ષ અને આઠ મહિનાના ગાળા બાદ પારેખ હજી પણ મુંબઈ બહારથી કામ કરી રહ્યા છે, જે તેઓની પસંદગી વખતે કરાયેલી મૂળ શરતનું ઉલ્લંઘન કરે છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer