અમેરિકા સાથે વિશેષ વેપાર કરાર થાય તો હીરા-ઝવેરાતની નિકાસ વધશે : જેજીઈપીસી

અમેરિકા સાથે વિશેષ વેપાર કરાર થાય તો હીરા-ઝવેરાતની નિકાસ વધશે : જેજીઈપીસી
કોલકાતા, તા. 12 : જો ભારત યુનાઈટેડ સ્ટેટસ અને યુરોપનાં રાષ્ટ્રો સાથે સાથે ચોક્કસ ટ્રેડ એગ્રિમેન્ટ કરે તો સોનું, ચાંદીના ઝવેરાત, રંગીન જેમ્સ, ઇમિટેશન જ્વેલરીની નિકાસ વધશે, પરંતુ કટ, પૉલિશ્ડ અને સિન્થેટિક હીરાની નિકાસ ઉપર કોઈ ફરક પડશે નહીં કારણ કે, આ પ્રોડકટસ ઉપર પહેલાથી જ આયાત ડયૂટી શૂન્ય છે, એમ ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે સરકારે સંકેત આપ્યો હતો કે યુએસ અને યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ એગ્રિમેન્ટની તકો તપાસવામાં આવશે.
ભારત હાલ અમેરિકામાં 10.5 અબજ ડૉલરના મૂલ્યના જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરે છે. 2018-'19માં 40 અબજ ડૉલર જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરવામાં આવી હતી. જેમાં અમેરિકામાં નિકાસનો ફાળો 26 ટકા છે.
અમેરિકામાં કરવામાં આવતી કુલ નિકાસમાં ગોલ્ડ, સિલ્વર અને ઇમિટેશન જ્વેલરીનો હિસ્સો 20 ટકા છે. ભારતની અમેરિકામાં 1.6 અબજ ડૉલરના મૂલ્યની નિકાસ થઈ હતી જેમાં 30.25 કરોડ ડૉલરની ચાંદીના ઝવેરાત અને 2.5 કરોડ ડૉલરની ઇમિટેશન જ્વેલરીની નિકાસ થઈ હતી. ઉપરાંત અમેરિકામાં કટ, પૉલિશ્ડ અને સિન્થેટિક હીરાની નિકાસ 8.4 અબજ ડૉલરની હતી.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જેજીઈપીસી)ના વાઈસ ચૅરમૅન કોલીન શાહે કહ્યું કે, જો ટ્રેડ એગ્રિમેન્ટ અંતર્ગત ડયૂટીમાં ઘટાડો કરવામાં આવે તો જ્વેલરી પ્રોડકટસની નિકાસ ઉપર આંશિક અસર પડી શકે છે. જીએસપી (જનરલાઈઝડ સિસ્ટમ અૉફ પ્રેફરન્સ) લાભ ભારતીય નિકાસમાંથી પાછી ખેંચી લેતા ટ્રેડ એગ્રિમેન્ટ અંતર્ગત લાભની આશા છે. યુએસ સોનાની લગડીની સપ્લાયર હોવાથી ટેરિફમાં ઘટાડો થાય તો ભારતને લાભ થશે.
ભારત કટ અને પૉલિશ્ડ હીરાની યુરોપિયન યુનિયનના અગ્રણી નિકાસકાર છે. તે પછી ગોલ્ડ જ્વેલરી, ચાંદીના ઝવેરાત, રંગીન જેમ સ્ટોન, ઇમિટેશન જ્વેલરીનો ક્રમ છે. ભારતની કુલ કટ અને પૉલિશ્ડ હીરાની નિકાસમાં યુરોપિયન યુનિયનનો 62 ટકા હિસ્સો છે. મૂલ્ય 3.2 અબજ ડૉલર છે.
યુરોપિયન યુનિયનમાં બેલ્જિયમ, યુકે, ફ્રાન્સ, ઇટલી અને જર્મનીમાં કટ અને પૉલિશ્ડ હીરાની ટેરિફ શૂન્ય છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer