સૌથી વધુ વૃક્ષો દાન આપનાર ચાહક સાથે જુહી ચાવલા ઊજવશે જન્મદિન

સૌથી વધુ વૃક્ષો દાન આપનાર ચાહક સાથે જુહી ચાવલા ઊજવશે જન્મદિન
સામાજિક કે પર્યાવરણીય મુદ્દે લોકજાગૃતિ લાવવાના કામ સાથે અભિનેત્રી જુહી ચાવલા જોડાયેલી છે. તેણે સિટિઝન્સ ફોર ટુમુરો નામની એક પહેલ શરૂ કરી છે. ભાવિ પેઢીને શુદ્ધ પર્યાવરણ મળી રહે તે માટે જુહી પ્રયત્નશીલ છે. સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ થયેલી કાવેરી કોલિંગ સાથે પણ અભિનેત્રી જોડાયેલી છે. આમાં આગામી બાર વર્ષમાં દક્ષિણ ભારતમાં 200 કરોડ વૃક્ષ વાવવાના છે. આ યોજના હેઠળ જુહીએ ગયા વર્ષે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, તબુ, આમિર ખાન, અક્ષય કુમાર જેવા મિત્રોના જન્મદિને વક્ષોનું દાન કરીને જન્મદિનની શુભેચ્છા આપી હતી. હવે અભિનેત્રીનો પોતાનો જન્મદિન આવી રહ્યો છે. આ દિવસે ચાહકો તેને પુષ્પગુચ્છો અને ભેટ મોકલે છે, પરંતુ આ વખતે જુહીએ થોડું અલગ વિચારી રાખ્યું છે. તેણે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કર્યો છે જેમાં લખ્યું છે, ચાહકો આપણા મળવાનો સમય આવી ગયો છે. છેલ્લા ત્રણ દાયકાથી તમે મને મારા જન્મદિવસે જે પ્રેમ આપો છો તેના માટે આભાર વ્યક્ત કરું છું. હવે મારે તમારામાંથી પર્યાવરણને પ્રેમ કરનારાઓને મળવું છે. તમારામાંથી સૌથી વધુ વૃક્ષ દાન કરનારા દસ જણાને હું મારા જન્મદિને મળીશ. 
લોકો પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે માટે પણ જુહી લોકોને અપીલ કરી રહી છે. વચ્ચે તેણે મોબાઇલના નેટવર્ક ટાવરમાંથી નાકળતા રેડિએશનની સ્વાસ્થ્ય પર થતી અસર વિશે પણ જનજાગૃતિ પ્રસારવાનું કામ કર્યું હતું. જુહીએ કહ્યું હતું કે, મેં સિટિઝન્સ ફૉર ટુમોરો પહેલ ભાવિ પેઢી માટે શરૂ કરી છે. આપણા બાળકોને શુદ્ધ પર્યાવરણ મળી રહે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. લોકો કલાકારને અનુસરતા હોય છે. આથી તેમનું કહ્યું માનીને આ દિશામાં કામ કરે એવી મારી ઇચ્છા છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer