`તાનાજી'' માટે અજય દેવગણ હતો પહેલી પસંદ

`તાનાજી'' માટે અજય દેવગણ હતો પહેલી પસંદ
ગત એપ્રિલ મહિનામાં પચાસ વર્ષના થયેલા અજય દેવગણની એકસોમી ફિલ્મ `તાનાજી : ધ અનસંગ વૉરિયર' છે. આ ફિલ્મમાં અજય છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર અને અત્યંત વિશ્વાસુ સૈનિક તાનાજી માલુસારેની ભૂમિકા ભજવે છે. દિગ્દર્શક ઓમ રાઉતને આ ફિલ્મનું શૂટિંગ અડધું પતી ગયા બાદ ખભર પડી કે અજયની કારકિર્દીમાં આ ફિલ્મ એકસોમી છે. આનાથી તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. ઓમે કહ્યું કે, આ મારા માટે ગૌરવની વાત છે. તાનાજી પતિ, પિતા, ભાઈ અને મિત્ર હોવા સાથે ઉત્તમ સૈનિક હતો. અજયનું વ્યક્તિત્વ અને આંખોમાં રહેલો જોશ તાનાજી જેવો જ છે. મેં 2015માં આ ફિલ્મ લખવાનું શરૂ કર્યું હતું. બે વર્ષ બાદ અજયને તે પટકથા સંભળાવી હતી. વાસ્તવમાં તો કથા લખતી વખતે જ મેં અજયને કેન્દ્રમાં રાખ્યો હતો. તે મારી પહેલી પસંદ હતો. આ ફિલ્મના શૂટિંગની તૈયારીમાં લાંબો સમય નીકળી ગયો છે. આમાં કલા અને હકીકત બંનેનો સમન્વય કરવાનો હતો. બહાદુર યોદ્ધાની કથાને દર્શાવતી વખતે છૂટછાટ ન લઈ શકાય. 17મી સદીના સમયને દર્શાવવો મુશ્કેલ હતો. અમે આખું મુગલ સામ્રાજય પણ ઊભું કર્યું હતું. 
અજય અને ભૂષણ કુમારના સહનિર્માણમાં તૈયાર થયેલી આ ફિલ્મમાં અજયની સાથે સૈફ અલી ખાન ઉદયભાન રાઠોડની ભૂમિકામાં જોવા મળશે. 2006માં રજૂ થયેલી ઓમકારા બાદ પહેલીવાર આ કલાકારો સાથે જોવા મળશે. સિંહગઢમાં તાનાજી અને ઉદયભન વચ્ચે જંગ થઈ હતી. આ યુદ્ધ માટે વિલન એક અલગ જ સ્તરનો હોવો જરૂરી હતો એટલે સૈફને લેવામાં આવ્યો હતો. જયારે અજયની રિયલ લાઇફની પત્ની કાજોલ જ ફિલ્મમાં તેની પત્ની તરીકે જોવા મળશે. કાજોલની માતા તનુજા મરાઠી હોવા છતાં આ પહેલીવાર તે મહારાષ્ટ્રીયન મહિલાની ભૂમિકામાં દેખાશે. આવતા જાન્યુઆરી મહિનામાં રજૂ થનારી આ ફિલ્મનું ટ્રેલર હવે રજૂ થશે. 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer