ખાતાધારકનું લૉકર નોટિસ આપ્યા વિના ખોલવા બદલ બૅન્કને પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

મુંબઈ, તા. 12 : અનુરાગ ગુપ્તાએ 1994માં પંજાબ નેશનલ બૅન્કમાં વાર્ષિક 800 રૂપિયાના ભાડાં પર લોકર લીધું હતું. શરૂઆતમાં આ ભાડું તેમના બચત ખાતામાંથી ભરાયું હતું એ પછી તેઓ ભાડું રોકડથી ભરવા લાગ્યા હતા.
એ બાદ ગુપ્તાએ ભાડું નહીં ભરતાં બૅન્કે 28 જૂન, 2013ના રોજ તેમનાં રજિસ્ટર્ડ એડ્રેસ પર નોટિસ મોકલાવી હતી. આ નોટિસ મળતાં તેમણે બાકીનું ભાડું ચૂકવી દીધું હતું. એ બાદ 2015ની 18 એપ્રિલે તેઓ લોકર ઓપરેટ કરવા ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે બૅન્કે ફેબ્રુઆરીમાં તેમનું લોકર તોડીને ખોલી નાખ્યું હતું અને તેમાંની ચીજોનું લિસ્ટ બનાવીને એ ચીજો સીલ કરીને પોતાના નિયંત્રણમાં અન્ય લોકલમાં મૂકી હતી.
આથી ગુપ્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ઉત્તર પ્રદેશ રાજ્ય કન્ઝયુમર કમિશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ સંબંધમાં બૅન્કે એવો આક્ષેપ કર્યો હતો કે ગુપ્તાને ત્રણ નોટિસો મોકલાવી છતાં તેમણે બે વર્ષનું લોકરભાડું ભર્યું નહોતું. જોકે, આ ત્રણે નોટિસો ટપાલ ખાતામાંથી એવી નોંધ સાથે પાછી મોકલવામાં આવી હતી કે સરનામું અધૂરું હતું. બૅન્કે તેના એક કર્મચારીને ગુપ્તાનો સંપર્ક કરવા મોકલ્યો હતો, પરંતુ તેઓ મળ્યા નહોતા.
ગુપ્તાએ આની સામે એવી દલીલ કરી હતી કે એક સમયે તેમને નોટિસ મળતાં તેમણે લોકરનું ભાડું ચૂકવી દીધું હતું, પરંતુ તેમનું સરનામું એ જ રહ્યું હોવા છતાં આ વખતે તેમને કોઈ નોટિસ મળી નહોતી. રાજ્ય ગ્રાહક પંચે એવું રુલિંગ આપ્યું હતું કે જ્યારે નોટિસો જ આપવામાં આવી નહોતી. તેવા કેસમાં બૅન્કે નિયમ પ્રમાણે અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરવી જોઈતી હતી. નિશ્ચિત કરેલી પ્રક્રિયા અનુસર્યા વિના લોકર તોડવામાં આવ્યું હોવાથી એ બૅન્ક તરફથી સેવાની ઉણપ હતી.
કમિશને ગુપ્તાને પાંચ લાખ રૂપિયાનું વળતર અને 9 ટકાના વ્યાજ સહિત 10 ટકા કાનૂની ખર્ચ ચૂકવવાનો બૅન્કને આદેશ આપ્યો હતો.
બૅન્કે આ ચુકાદા સામે અપીલ કરી હતી. નેશનલ કન્ઝયુમર કમિશને રાજ્ય પંચનો ચુકાદો માન્ય રાખતાં જણાવ્યું હતું કે લોકરધારકને નોટિસ આપ્યા વિના લોકર તોડવાનો બૅન્કને અધિકાર નથી અને બૅન્કે અખબારમાં એ અંગેની જાહેર નોટિસ આપવી જોઈતી હતી. નેશનલ કમિશને ગત 1લી નવેમ્બરના તેના આદેશમાં બૅન્કની અપીલ કાઢી નાખી હતી અને રાજ્ય પંચનો ચુકાદો બહાલ રાખ્યો હતો.
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer