અલીબાગના કિનારે એક પણ અનધિકૃત બંગલો ન જોઈએ : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 12 : અલીબાગના દરિયા કિનારે હવે એક પણ ગેરકાયદે આલિશાન બંગલાઓ ન હોવા જોઈએ એવો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે રાજ્ય સરકારને આપ્યો હતો. એ સાથે 111 અનધિકૃત બંગલાઓને મળેલો સ્ટે હટાવવા કરાયેલી અપીલનો તાત્કાલિક નિકાલ લાવવાનો આદેશ ડિસ્ટ્રિક્ટ કોર્ટને આપ્યો હતો. ઉપરાંત સ્ટે ન અપાયો હોય એવા બંગલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આદેશ પણ રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગને આપ્યો છે.
કૉસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ના નિયમોનું ઉલ્લંઘન કરી અલિબાગના દરિયા કિનારે પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકોએ બનાવેલા આલિશાન બંગલાઓ સામે આંખ આડા કાન કરવા માટે કોર્ટે ગઈ સુનાવણી દરમિયાન સરકારને આડે હાથ લીધી હતી. એટલું જ નહીં, બંગલા પરની કાર્યવાહી વિરુદ્ધ દિવાની કોર્ટમાં કેટલા કેસ કરાયા છે, કેટલા કિસ્સામાં બંગલાના બાંધકામને રક્ષણ અપાયું છે અને સરકાર એના પરનો સ્ટે હટાવવા શું કરી રહી છે એ અંગેની તમામ વિગતો, સહિત રાયગઢ જિલ્લાધિકારીને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ સત્યરંજન ધર્માધિકારી અને જસ્ટિસ રિયાઝ છાગલાની બેન્ચ સમક્ષ સોમવારે આ મામલે સુનાવણી થઈ હતી. એ સમયે રાયગઢના જિલ્લાધિકારી વિજય સૂર્યવંશી ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે આપેલા આદેશ મુજબ તેમણે એફિડેવિટ પણ રજૂ કરી હતી. એમાં તેમણે કુલ 159 ગેરકાયદે બંગલાઓમાંથી 22 બંગલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો ર્ક્યો હતો. તો 111 બંગલાઓના માલિકોએ દિવાની કોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે. હાઈ કોર્ટના અલિબાગના ડેપ્યુટી ઝોનલ અૉફિસર દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલને વારંવાર જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ બાંધકામો અંગેની બીજી 74 અરજીઓ પેન્ડિંગ હોવાથી એ અંગે પણ ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા હોવાનું એફિડેવિટમાં જણાવાયું હતું. જોકે, જે પાંચ બંગલાને સ્ટે મળ્યો નહોતો એના પર હજુ સુધી કાર્યવાહી કેમ કરી નથી એવો પ્રશ્ન હાઈ કોર્ટે ર્ક્યો હતો. ત્યારે બંગલા તોડવા માટેની આવશ્યક સાધન સામગ્રી ન હોવાની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું સરકારી વકીલ પી. પી. કાકડેએ હાઈ કોર્ટને જણાવ્યું હતું.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer