ભાજપ સાથે સંપર્કમાં, પરંતુ સત્તાની સમાન વહેંચણી થવી જોઈએ : ઉદ્ધવ ઠાકરે

ભાજપ મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી શકે તો શિવસેના કૉંગ્રેસ-એનસીપી સાથે કેમ નહીં?
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં યુતિની સરકાર માટે શિવસેના અને ભાજપ હજુએ સંપર્કમાં છે, પરંતુ સત્તાની સમાન વહેંચણીના મુદે આપણે મક્કમ છીએ, એવી સ્પષ્ટતા ખુદ ઉદ્ધવ ઠાકરેએ મડ આઇલેન્ડની હૉટેલમાં શિવસેનાના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથેની બેઠકમાં કરી હતી. તેમણે પાર્ટીના વિધાનસભ્યોને ખાતરી આપી હતી કે મુખ્ય પ્રધાન શિવસેનાનો જ બનશે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે, પરંતુ સરકાર રચવાના પ્રયાસો તમામ પાર્ટી તરફથી થઈ રહ્યા છે.
આજે કૉંગ્રેસ અને એનસીપીની યુતિના નેતાઓ વચ્ચે પણ સંયુક્ત બેઠક થયા બાદ જણાવાયું હતું કે શિવસેના તરફથી કૉંગ્રેસની યુતિ સાથે ટેલિફોનથી ચર્ચા કરાઈ હતી અને ટેકો આપવાનું આહ્વાન કરાયું હતું.
વિધાનસભ્યો સાથે બેઠક બાદ પત્રકાર પરિષદમાં ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપને સરકાર રચવા માટે આપેલી સમય મર્યાદા પૂર્ણ થાય એ પહેલા શિવસેનાને સરકાર રચવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઠાકરેએ કહ્યું હતું કે સોમવારે મેં પહેલીવાર સરકાર રચવા માટે એનસીપી અને કૉંગ્રેસ સાથે પણ વાતચીત કરી હતી.
આ સંબંધે હિંદુત્વ અંગેના પત્રકારોના સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે હું એ જાણવા માગું છું કે ભાજપ કેવી રીતે મહેબૂબા મુફ્તી, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કે રામવિલાસ પાસવાનની વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકે છે.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું એ સંબંધે હળવો કટાક્ષ કરતા ઉદ્ધવે કહ્યું હતું કે અમે તો રાજ્યપાલ પાસે માત્ર 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને છ મહિનાનો સમય આપી દીધો છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer