શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ : ભાજપને 48 કલાક, અમને ચોવીસ કલાક કેમ ?

મુંબઈ, તા.12 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની રચના માટે રાજ્યપાલે ભાજપને 48 કલાકનો સમય આપ્યો હતો પરંતુ શિવસેનાને માત્ર ચોવીસ કલાકનો સમય જ કેમ આપવામાં આવ્યો? રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, કૉંગ્રેસના નેતા કપિલ સિબલ સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી દલિલો કરશે.
શિવસેનાને આ અરજી વિશે અરજન્ટ હિયરિંગ મળ્યું નહતું. અરજીની સુનાવણી કદાચ બુધવારે (આજે) થાય એવી શક્યતા છે.
સરકાર રચવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવસેનાને આપેલો ચોવીસ કલાકનો સમય સોમવારે સાંજે સાડા સાત વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. આ પહેલા શિવસેનાના નેતાઓએ રાજ્યપાલને મળીને વધુ સમય ફાળવવા માગણી કરી હતી તે નકારાઇ હતી. ત્યાર બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસના નેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબલ અને કૉંગ્રેસના નેતા અહમદ પટેલનો સંપર્ક સાધ્યાનું કહેવાઇ રહ્યું છે.
રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવાનો દાવો નોંધાવવા આપેલી ચોવીસ કલાકની મુદત ઓછી હતી અને વધુ મુદત આપવાનો રાજ્યપાલે ઇન્કાર કર્યો હતો એ મુદે કાનૂની સલાહ લઇને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે. શિવસેના તરફથી વકીલોએ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને આજે જ આ અરજીની સુનાવણી હાથ ધરવાની વિનંતી કરી છે પરંતુ હજુ સુધી તેનો પ્રતિભાવ નથી મળ્યો. સોમવારે રાજ્યપાલે સરકાર રચવા માટે શિવસેનાને વધુ સમય ન આપવો તેમ જ વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવાની તક ન આપવાનો નિર્ણય લીધો તે રદ કરવાની મુખ્ય માગણી છે. શિવસેનાની અરજી પ્રમાણે રાજ્યપાલનો આ નિર્ણય ગેરબંધારણીય, અયોગ્ય, એકતરફી તેમ જ ગેરવ્યાજબી છે. આ અરજીમાં શિવસેનાએ પ્રતિવાદી તરીકે ગૃહ મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર અને શરદ પવારની એનસીપીના નામ આપ્યા છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer