શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સહિયારી સરકાર આસાન નથી

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તાની સમાન વહેંચણી માટે શિવસેનાએ 20 દિવસ અપનાવેલું અક્કડ વલણ આખરે રાષ્ટ્રપતિશાસનમાં પરિણમ્યું છે. આ આખાય પ્રકરણમાં શિવસેનાને ગુમાવવાનું આવ્યું છે. તેણે મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં ભાજપ સાથે સત્તામાં ભાગીદારી ગુમાવી છે.
ઉપરાંત શિવસેના દ્વારા કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સાથે સત્તાની સોદાબાજીમાં પણ તેને મોટો લાભ થવાની સંભાવના નથી. તેથી શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે સંમતિ મુશ્કેલ છે. જો તેઓની સરકાર રચાય તો તેઓનો `સંઘ' કાશી પહોંચે અર્થાત મુદત પૂરી કરે એ વધુ મુશ્કેલ છે. તેઓ વચ્ચે પહેલાં સત્તાની વહેંચણીની સમજૂતી અને ત્યાર પછી કોમન મિનિમમ પ્રોગ્રામ (સમાન લઘુતમ કાર્યક્રમ)ના અમલમાં અવરોધો આવી શકે છે.
રાજકીય સમીક્ષકો માને છે કે શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ એકમેકના સહકારથી મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાનું મુશ્કેલ છે. તેનું પહેલું કારણ વિચારધારામાં મોટો તફાવત છે. જોકે, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે કહે છે કે ભાજપ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતીની પીડીપી સાથે, બિહારમાં નીતિશકુમારની સમતા પાર્ટી સાથે તેમ જ આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સાથે સમજૂતી કરવામાં આવી હતી તેનો અભ્યાસ કરીશ. તેથી મનાય છે કે શિવસેના  આ પ્રકારે વિરોધાભાસી વિચારસરણી ધરાવતા પક્ષો સાથે સમજૂતી કરી શકશે કે કેમ એ પ્રશ્ન છે.
પ્રથમ તો સમજૂતી કરવી મુશ્કેલ છે અને થાય તો પાંચ વર્ષ ટકશે એ પ્રશ્ન છે. તે ઉપરાંત શિવસેનાએ ભાજપ પાસે સત્તામાં અડધો હિસ્સો માગ્યો હતો તે મળ્યો નથી એટલે સમજૂતી તોડી હતી. હવે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે સમજૂતી થાય તો સત્તામાં ત્રીજો હિસ્સો મળે એવું છે. શિવસેના તેના માટે તૈયાર થશે? તે પ્રશ્ન છે.
શિવસેના માટે નબળું પાસું એ છે કે તેની પાસે 56 વિધાનસભ્યો છે, જ્યારે રાષ્ટ્રવાદી તેના કરતા માત્ર બે સભ્યો જ ઓછા ધરાવે છે. રાષ્ટ્રવાદીના 54 અને કૉંગ્રેસના 44 સભ્યો છે. રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર કહે છે કે કૉંગ્રેસ સાથે અમારી સમજૂતી ચૂંટણી પૂર્વેની છે. તેથી બધા નિર્ણયો સાથે મળીને કરશું. આ ત્રણેય પક્ષોની કુલ સંખ્યા 154 થાય. તેથી શિવસેનાને સત્તામાં એક તૃતીયાંશ હિસ્સો મળે.
શિવસેના કરતાં લગભગ બમણા સભ્યો કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના છે. તેઓ બધા નિર્ણય સાથે મળીને લેવાના છે, તેથી પ્રત્યેક મુદ્દે રાષ્ટ્રવાદી-કૉંગ્રેસનું પલ્લું ભારે રહે. બન્ને પક્ષો મુખ્ય પ્રધાનપદ શિવસેનાને આપવા તૈયાર થાય એવી સંભાવના ઓછી છે.
શિવસેનાના મુદ્દે રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ સંગઠિત છે. આમ છતાં રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ વચ્ચે પણ ઘણા મતભેદો છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer