ક્યારે અને કેમ લાદવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન?

નવી દિલ્હી, તા. 12 : મહારાષ્ટ્રમાં સત્તા માટેના સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન અમલી કરવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યા બાદ સરકારના ગઠનમાં વિખવાદ ઉભો થયો હતો અને બન્ને દળોના રસ્તા અલગ થયા છે. ત્યાર બાદ રાજ્યમાં કોઈપણ પક્ષ પાસે બહુમત ન હોવાના કારણે અત્યાર સુધી સરકારનું ગઠન થઈ શક્યું નહોતું. ભાજપ અને શિવસેના બન્નેને રાજ્યપાલે સરકાર બનાવવા આમંત્રણ આપ્યા બાદ એનસીપીને મંગળવાર રાત્રી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે આ અગાઉ જ મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય લીધો હતો અને રાષ્ટ્રપતિને ભલામણ મોકલી હતી. જેને મંજૂરી પણ મળી ગઈ હતી. 
કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કેવી પરિસ્થિતિઓમાં લાદવામાં આવે છે અને તેની જોગવાઈ કેવી હોય છે તેને સમજવાની કોશિષ કરીએ. મહારાષ્ટ્રમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન પાસે બહુમત ન હોવાના કારણે સરકાર ન બનતા રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ શાસનની બંધારણીય વ્યવસ્થા
રાષ્ટ્રપતિ શાસન સંબંધિત જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ 356માં છે. આર્ટિકલ 356 પ્રમાણે રાજ્ય સરકાર સંવિધાનની અલગ અલગ જોગવાઈ મુજબ કામ ન કરતી હોય તેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.એવું જરૂરી નથી કે રાષ્ટ્રપતિ રાજ્યપાલના રિપોર્ટના આધારે જ ફેંસલો કરે. આ અનુચ્છેદ એક સાધન છે. જે કેન્દ્ર સરકારને કોઈપણ નાગરિક અશાંતિ જેમ કે હુલ્લડને રોકવા રાજ્ય સરકાર વિફળ રહે તો તેવી દશામાં કોઈપણ રાજ્ય સરકાર ઉપર અધિકાર સ્થાપિત કરવામાં સક્ષમ બનાવે છે. સંવિધાનમાં ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યાના બે મહિનાની અંદર સંસદના બન્ને સદનો દ્વારા મંજૂરી જરૂરી છે. આ દરમિયાન લોકસભા ભંગ થાય તો રાજ્યસભામાં મંજૂરી બાદ નવી લોકસભાના ગઠન બાદ તેમાં મંજૂરી જરૂરી છે. 
બહુમતના અભાવે રાષ્ટ્રપતિ શાસન
જ્યારે કોઈ સદનમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન પાસે સ્પષ્ટ બહુમત ન હોય તો રાજ્યપાલ સદનને 6 મહિનાના સમયગાળા માટે નિલંબિત અવસ્થામાં રાખી શકે છે. 6 મહિના બાદ પણ જો સ્પષ્ટ બહુમત સ્થાપિત ન થાય તો પુન: ચૂંટણી યોજવામાં આવે છે.
રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો
સંસદના બન્ને સદનમાં રાષ્ટ્રપતિ શાસનને પસાર કરાવમાં આવે તો રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી ચાલે છે. આવી રીતે 6-6 મહિના કરીને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. 
કેમ કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન?
રાજ્યનું નિયંત્રણ મુખ્યમંત્રીની જગ્યાએ સીધું રાષ્ટ્રપતિ પાસે હોવાથી તેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. જો કે પ્રશાસનિક દ્રષ્ટિએ રાજ્યના રાજ્યપાલને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યકારી અધિકારી આપવામાં આવે છે. પ્રશાસનમાં મદદ કરવા માટે રાજ્યપાલ સલાહકારોની નિયુક્તિ કરી છે. જે સામાન્ય રીતે સેવાનિવૃત્ત સિવિલ સેવક હોય છે. 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer