સુરેન્દ્રનગર-ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં ભૂકંપના હળવા આંચકા

અમદાવાદ, તા. 12 : આજે બપોરે સુરેન્દ્રનગર, ગોંડલ, કોટડાસાંગાણી પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાય ગયો છે. 
ગાંધીનગરસ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે બપોરે 12.49 વાગ્યે સુરેન્દ્રનગરથી દક્ષિણ દિશા તરફ 30 કિ.મી. દૂર 2.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 
જ્યારે બપોરે 1.03 વાગ્યે સુરેન્દ્રનગરથી 32 કિ.મી. દૂર કેન્દ્ર બિન્દુ ધરાવતો 1.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. 
બપોરે 2.36 વાગ્યે ગોંડલથી 11 કિ.મી. દૂર 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કોટડાસાંગાણીના હડમતાળામાં પણ અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે. 
જોકે, આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકોમાં હાશકારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જેમાં કમોસમી વરસાદ, ઝાકળવર્ષા તથા ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. 
છેલ્લા થોડા દિવસોથી જામનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, તીવ્રતા સામાન્ય હતી.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer