શિવસેના બાદ ઝારખંડના સાથીપક્ષોએ બેઠક વહેચણીના મુદ્દે ભાજપ માટે સર્જી સમસ્યા

એલજેપી એકલા હાથે પ0 બેઠક લડશે: ચિરાગ પાસવાનનું એલાન : એજેએસયુએ પણ 12 ઉમેદવારો જાહેર કર્યા
નવી દિલ્હી,  તા.12: ભાજપના લાંબા સમયના સાથી શિવસેનાએ મહારાષ્ટ્રમાં તેની સાથે સરકાર રચવા સંમત ન થતાં ચાલેલી બબાલ થાળે નથી પડી ત્યાં હવે ઝારખંડની ચૂંટણીમાં ભાજપને સાથીપક્ષોએ ઝટકો આપ્યો છે. તે પૈકી એક સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીના નવા અધ્યક્ષ ચિરાગ પાસવાને તા.30મીથી શરૂ થતી ઝારખંડની ચૂંટણી એકલા હાથે લડવાનું એલાન કર્યુ છે, બલકે તે પ0 બેઠકોના ઉમેદવારોના નામોની યાદી આજે મોડેથી જાહેર કરવાનું જણાવ્યું હતું. બિહારની જમુઈની બેઠકેથી સતત બે વાર સાંસદ બનેલા ચિરાગ પાસવાનનો પક્ષ '14માં માત્ર એક બેઠક લડયો હતો અને હાર્યો હતો. કેન્દ્રના એનડીએનો હિસ્સો રહેલા એલજેપીએ ઝારખંડની ચૂંટણીમાં શરૂમાં ભાજપ પાસે છ બેઠક માગી હતી, પછી એલજેપીએ એકલા હાથે પચાસ બેઠકો લડવાની જાહેરાત કરી છે. (ભાજપ રવિવારે તેના બાવન ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકયો છે) એવી જ રીતે ભાજપના અન્ય સાથી પક્ષ એજેએસયુએ પણ બેઠકવહેંચણી અંગે ભાજપ પર દબાણ કર્યુ છે.
ઝારખંડમાં એલજેપી કે જનતા દળ (યુ) કરતા વધુ મોટો સપોર્ટ બેઈઝ ધરાવતો ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) '14માં જે 8 બેઠકો લડયો હતો તેમાંની પાંચમાં વિજયી થયો હતો. આ વખતે તેણે 19 બેઠકો માગી, પરંતુ ભાજપ માત્ર 9 બેઠક આપવા ઈચ્છે છે. બીજી તરફ એજેએસયુ બાર બેઠકોના ઉમેદવારો  ય જાહેર કરી દીધા છે, તેમાંના ચાર ભાજપી ઉમેદવારો સાથે ઓવરલેપ (એક જ બેઠકે બેઉ પક્ષના ઉમેદવારો હોવા) થાય છે.
જનતા દળ (યુ)ના અગ્ર  સચિવ કેસી ત્યાગીએ ખાનગી ચેનલને જણાવ્યુ હતું કે ` ઝારખંડમાં હવે એનડીએ જેવું કંઈ નથી. સંકલનના પ્રશ્નોના વાંકે ભાજપ, એલજેપી અને જેડી (યુ) અલગઅલગ લડશે. મોટો પક્ષ હોવા છતાં ભાજપ કદી વાટાઘાટ માટે આગળ આવ્યો નથી.' 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer