લતા મંગેશકરની તબિયત હજી ગંભીર

લતા મંગેશકરની તબિયત હજી ગંભીર
મુંબઈ, તા. 12 : સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્વાસોશ્વસાની તકલીફ થતા રવિવારે મધરાતે બે વાગ્યા બાદ તેમને બ્રિચ કેન્ડી હૉસ્પિટલના ઈન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. હજી પણ તેમની પરિસ્થિતિ ગંભીર છે પણ તેમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો હોવાનું સુત્રોનું કહેવું છે. 
90 વર્ષીય ગાયિકાની પબ્લિક રિલેશન ટીમે મંગળવારે નિવેદનમાં કહ્યું હતું કે તેમની પરિસ્થિતિ સ્થિર છે. લતાદીદીના તમામ તબીબી માપદંડો બરાબર છે. બીમારીમાંથી તેઓ ધીમેધીમે બહાર આવી રહ્યાં છે. તેઓ બીમારી સામે બરાબર લડત આપી રહ્યાં છે. તેમને હૉસ્પિટલમાંથી ક્યારે રજા મળશે તે બાબતે લોકોને જાણ કરવામાં આવશે. 
લતા મંગેશકરની ભત્રીજી રચના શાહે કહ્યું હતું કે, તેમની પરિસ્થિતિ સ્થિર અને સારી છે અને બહુ જલ્દી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 
લતા મંગેશકરે હિન્દી ફિલ્મોના હજારો ગીતો ગાયા છે. તે સિવાય તેમણે પ્રાદેશિક અને વિદેશી ભાષામાં પણ અનેક ગીતો ગાયા છે. ગાયિકાએ આ વર્ષે છેલ્લું ગીત ભારતીય સેનાને સમર્પિત કરતું `સૌંગદ મુઝે ઈસ મિટ્ટી કી' ગાયું હતું. જે 30 માર્ચે રિલીઝ થયું હતું. તેમને 2001 ભારત રત્નના સન્માનથી નવાઝવામાં આવ્યાં હતાં. તેમ જ 1989 દાદાસાહેબ ફાળકે એવૉર્ડ પણ મળ્યો હતો.
અભિનેત્રી હેમા માલિનીએ  એક ટવીટ કરીને જણાવ્યું હતું કે લતાજી માટે પ્રાર્થના કરો કે કે હજુ હોસ્પિટલમાં દાખલ છે અને અમુક અહેવાલો અનુસાર તેમની તબીયત નાજુક છે. ભગવાન તેમને આ સ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરે અને તેઓ ફરીથી આપણા સૌ વચ્ચે આવે. આખો દેશ ભારત રત્ન અને દેશની કોકિલા લતાજી માટે પ્રાર્થના કરી રહ્યો છે.
અભિનેત્રી શબાના આઝમીએ પણ ટવીટ કરીને જણાવ્યું હતું કે લતાજી માટે જલ્દી સારા થવાની પ્રાર્થના કરી છે. તેમણે લખ્યું કે આદાબ અને હજારો દુઆઓ કે તમે ફરી સારી તબીયત મેળવીને પરત આવી જાઓ..
ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને ગઈકાલે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ  મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
 

Published on: Wed, 13 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer