સંજય રાઉતને ડૉક્ટરોએ બહુ ઓછું બોલવાની સલાહ આપી છે

સંજય રાઉતને ડૉક્ટરોએ બહુ ઓછું બોલવાની સલાહ આપી છે
મુંબઈ, તા. 12 : સરકાર બનાવવામાં શિવસેનાને નિષ્ફળ ગઈ હોવા છતાં તેના ફાયરબ્રાન્ડ નેતા સંસદસભ્ય સંજય રાઉત હૉસ્પિટલમાં હોવા છતાં તેમનો જુસ્સો હજી પણ કાયમ છે. મંગળવારે રાઉતે હરિવંશરાય બચ્ચનની કવિતાની બે લાઈનો ટ્વીટર પર પોસ્ટ કરીને કહ્યંy હતું કે, પાર્ટીએ હાર નથી માની  અને સફળતાના શિખરોને ફરી આંબશે.  
57 વર્ષીય રાઉતને સોમવારે છાતીમાં દુખાવો થતા બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી. રાઉતે મંગળવારે મહાન કવિ હરિવંશરાય બચ્ચનની કવિતાની બે લાઈનો `લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, હિંમત કરને વાલો કી કભી હાર નહીં હોતી' ટ્વીટર પર મુકતા લખ્યું હતું કે, અમે સફળ થશું અને જરૂર થશું. 
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાઉતના ખબર પૂછવા લીલાવતી હૉસ્પિટલ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, રાઉતની તબિયત સુધારા પર છે. ઉદ્ધવે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર અત્યારે કોઈપણ ટીપ્પણી કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે, યોગ્ય સમય આવશે ત્યારે જ બોલીશ.  ઉદ્ધવ ઉપરાંત ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલ અને આશિષ શેલાર પણ રાઉતના ખબર-અંતર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. શેલારે કહ્યું હતું કે આ એક શુભેચ્છા મુલાકાત છે. તેની પાછળ કોઈ રાજકીય હેતુ નથી. શેલારે કહ્યું હતું કે, ડૉક્ટરોએ રાઉતને ઓછું બોલવાની સલાહ આપી છે. રાજકીય મતભેદ હોવા છતાં તબિયતના સમાચાર પૂછવા એ મહારાષ્ટ્રના સંસ્કાર છે. ભાજપના એક વરિષ્ઠ પદાધિકારી પણ આ જ હૉસ્પિટલમાં દાખલ છે અને મે તેમની પણ મુલાકાત લીધી હતી.
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer