હિન્દુત્વવાદી શિવસેના સત્તાના ખેલમાં મુસ્લિમ લીગ સાથે પણ દોસ્તી કરી ચુકી છે

હિન્દુત્વવાદી શિવસેના સત્તાના ખેલમાં મુસ્લિમ લીગ સાથે પણ દોસ્તી કરી ચુકી છે
ઠાકરેની સેનાએ વૈચારિક દોસ્ત કે દુશ્મન સાથે બેસવામાં ક્યારેય છોછ નથી રાખ્યો
મુંબઈ, તા. 12 (પીટીઆઇ) : ભાજપ સાથે યુતિ હોવા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારને ટેકો આપવો, એનસીપીના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેની સામે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવી કે પછી વિચારધારાના સામેના ધ્રુવ જેવી મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાની હોય શિવસેનાએ ક્યારેય સત્તાના ખેલમાં દોસ્ત કે દુશ્મન સાથે જવામાં છોછ નથી રાખ્યો. 
શિવસેના કટ્ટર હિંદુવાદી પાર્ટી તરીકે ઓળખાય છે, પરંતુ સોમવારે ભાજપના વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) છોડીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એનસીપી અને કૉંગ્રેસનો સહકાર માગ્યો એનાથી શિવસેનાનો ભૂતકાળ જાણનારાઓને કોઇ આશ્ચર્ય નથી થયું. તાજેતરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની મહાયુતિ સામે કૉંગ્રેસ-એનસીપીની યુતિની મુખ્ય લડાઇ હતી તેમાં પરિણામો પ્રમાણે ભાજપને સૌથી વધુ 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 બેઠક મળી છે.
વર્ષ 1966માં બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા બાદ પાંચ દાયકાથી વધુ સમયમાં મોટા ભાગે શિવસેના ઔપચારિક કે અનૌપચારિક રીતે કૉંગ્રેસની સાથે જ રહી છે. શરૂઆતના સમયમાં શિવસેના સીધી કે આડકતરી રીતે કૉંગ્રેસ કે કૉંગ્રેસમાંથી છૂટી પડેલી નાની પાર્ટીઓ તેમ જ કૉંગ્રેસ સાથે છેડો ફાડનારા નેતાઓને સહકાર આપતી હતી.
વરિષ્ઠ રાજકીય સમીક્ષક સુહાસ પળશિકરના જણાવ્યા પ્રમાણે શિવસેનાની પહેલી સભા યોજાય હતી તેમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ કૉંગ્રેસી નેતા રામરાવ આદિક હાજર હતા. `ધ કઝિન્સ ઠાકરે-ઉદ્ધવ ઍન્ડ રાજ ઍન્ડ ઇન ધ શેડો અૉફ ધેર સેના' પુસ્તકમાં ધવલ કુલકર્ણીએ લખ્યું છે કે 1960 અને 70ના દાયકાઓમાં મોટા ભાગે કૉંગ્રેસે મુંબઈમાં ડાબેરી પાર્ટીઓ તેમ જ મજૂર યુનિયનોને ખાળવા માટે શિવસેનાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.
વર્ષ 1971માં શિવસેનાએ કૉંગ્રેસ (ઓ) સાથે સમજૂતી કરી હતી અને મુંબઈ અને કોંકણમાં મળીને લોકસભાની ત્રણ બેઠક પર ઉમેદવારી કરી હતી, જેમાં શિવસેનાનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. દિવંગત વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી તેની શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેએ ભરપૂર પ્રશંસા કરી હતી અને 1977ની લોકસભાની ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ઊભો ન રાખીને કૉંગ્રેસને આડકતરો ટેકો આપ્યો હતો, એમ કુલકર્ણીએ જણાવ્યું હતું. 
એટલું જ નહીં 1977માં જ મુંબઈના મેયર પદની ચૂંટણીમાં કૉંગ્રેસના મુરલી દેવરાને ટેકો આપ્યો હતો. 1963થી 1974 સુધીના સમયગાળામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇક હતા ત્યારે લોકો શિવસેનાને વસંતસેના કહીને ઠેકડી પણ ઉડાવતા હતા.
પળસિકરના જણાવ્યા પ્રમાણે 1978માં જનતા પાર્ટી સાથે યુતિ ન થતાં શિવસેનાએ ઇંદિરા ગાંધીએ બનાવેલી નવી કૉંગ્રેસ (આઇ) સાથે યુતિ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે મળીને શિવસેનાએ 33 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ ત્યારે જનમાનસ ઇંદિરા ગાંધીના વિરોધમાં હોવાથી શિવસેનાના તમામ ઉમેદવારો હારી ગયા હતા.
શિવસેનાએ મુસ્લિમ લીગ સાથે પણ સમજૂતી કરી હોવાનું પીઢ પત્રકાર પ્રકાશ આકોલકરે શિવસેના પરના તેમના પુસ્તક `જય મહારાષ્ટ્ર'માં લખ્યું છે. આકોલકરે લખ્યું છે કે 1970ના દાયકામાં મુંબઈના મેયરપદની ચૂંટણી જીતવા શિવસેનાએ મુસ્લિમ લીગનો ટેકો પણ લીધો હતો. આ માટે બાળાસાહેબ ઠાકરે દક્ષિણ મુંબઈના નાગપાડામાં મસ્તાન તળાવ વિસ્તારમાં આયોજિત એક સભામાં મુસ્લિમ લીગના નેતા જીએમ બનાતવાલા સાથે એક મંચ પર પણ આવ્યા હતા.
કૉંગ્રેસે શિવસેનાનો ઉપયોગ મુંબઈમાં મજૂર યુનિયનોને ખાળવા માટે કર્યો હતો ત્યારે જ શિવસેનાએ 1968માં મધુ દંડવતેની પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી સાથે યુતિ કરી હતી. જોકે, ઇંદિરા ગાંધીનાં મૃત્યુ બાદ 1980થી શિવસેના અને કૉંગ્રેસના સંબંધોમાં ઓટ આવવા લાગી હતી અને કૉંગ્રેસમાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સમયગાળામાં શિવસેના સાથેના સંબંધો લગભગ ખતમ થઇ ગયા હતા, પરંતુ કૉંગ્રેસના વડપણ હેઠળની ડૉ. મનમોહન સિંઘની સરકારના દાયકાના કાર્યકાળમાં રાષ્ટ્રપતિની બે ચૂંટણીઓ થઇ તેમાં શિવસેનાની ભાજપ સાથે યુતિ હોવા છતાં કૉંગ્રેસના ઉમેદવારો પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો.
`ધ સેના સ્ટોરી' અને `બાળ ઠાકરે-ધ રાઇઝ ઍન્ડ ફોલ અૉફ શિવસેના' પુસ્તકોના લેખક પત્રકાર વૈભવ પુરંદરેના જણાવ્યા પ્રમાણે એક સમય એવો પણ હતો કે કૉંગ્રેસના ભોગે શિવસેના વિસ્તરતી જતી હતી અને એ સમયે જ શિવસેનાએ યુ ટર્ન લીધો, શિવસેનાએ હિંદુત્વનો ઝંડો ઉપાડયો અને ભાજપ ભણી વળવા લાગી હતી. 1980 અને 90ના બે દાયકામાં શિવસેનાએ કટ્ટર હિંદુવાદીની પોતાની નવી ઓળખ પણ મેળવી લીધી. 
બાળાસાહેબ ઠાકરે અને શરદ પવારના પરિવારો વચ્ચે પાંચ દાયકાના ગાઢ સંબંધો છે. પાર્ટીની વિચારધારાના મામલે બંને સાવ સામા છેડે ભલે હોય, પરંતુ અંગત પારિવારિક સંબંધોની ઉષ્મા એમ જ રહી છે. શરદ પવારે તેની આત્મકથા `ઓન માય ટર્મ્સ'માં લખ્યું છે કે રાજકીય રીતે દુશ્મની હોવા છતાં મારા પત્ની પ્રતિભા પવાર `ગપશપ' અને ભોજન માટે ગમે ત્યારે ઠાકરેના નિવાસસ્થાન `માતોશ્રી'માં જતાં હતાં. વર્ષ 2004માં મારી કૅન્સરની બીમારીની સારવાર ચાલતી હતી ત્યારે બાળાસાહેબ ઠાકરેએ મને ભોજનમાં કેવી પરેજી અને કાળજી લેવી જોઇએ એની યાદી પાઠવી હતી. બાળાસાહેબ ઠાકરે મને અંગત રીતે શરદબાબુ કહેતા. વર્ષ 2006માં પવારના પુત્રી સુપ્રિયા સુળેએ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ત્યારે ઠાકરેએ તેમની સામે શિવસેના તરફથી ઉમેદવારી નહોતી કરી. પવારે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ઠાકરેએ મને ફોન પર થયેલી વાતમાં કહ્યું હતું કે શરદબાબુ સુપ્રિયા ભાખોડિયાં ભરતી હતી ત્યારથી હું તેને જોતો આવ્યો છું, આ ચૂંટણી તેની કારકિર્દી માટે મોટું પગલું છે, રાજ્યસભામાં સુપ્રિયા નિર્વિરોધ ચૂંટાશે એની શિવસેના તરફથી હું ખાતરી રાખીશ. પવારે તેને પૂછ્યું કે ભાજપના વિરોધનું શું? બાળાસાહેબે તેમને પોતાના આગવા અંદાજમાં કહ્યું ઓહ, તમારે કમલાબાઇ (ભાજપ)ની ચિંતા કરવાની જરૂર નથી.
તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરે પરિવારની પહેલી વ્યક્તિ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડી. કદાચ આ સંબંધોને ધ્યાનમાં લઇને જ વરલી બેઠક પર આદિત્યની સામે એનસીપીએ અજાણ્યા ઉમેદવારને મેદાનમાં મૂક્યો હતો અને આદિત્યનો 67,000 મતોથી ભવ્ય વિજય થયો.
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer