મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન : સરકાર રચવા નવી કવાયત શરૂ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન : સરકાર રચવા નવી કવાયત શરૂ
કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડવા કૉંગ્રેસના નેતાઓ મુંબઈમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આખરે મહારાષ્ટ્ર વિધાનસભાનું પરિણામ આવ્યાંના 19 દિવસ બાદ ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સરકાર રચવામાં વિફળ જતાં  રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના અહેવાલને પગલે આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું. રાજ્યપાલે કેન્દ્ર સરકારને મોકલાવેલા અહેવાલમાં કહ્યુંyં હતું કે મારા તમામ પ્રયાસો છતાં હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં સ્થિર સરકાર રચવાનું અસંભવ છે. રાજકીય મડાગાંઠ 19મા દિવસે પણ ચાલુ રહી હતી. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે કહ્યું હતું કે શિવસેનાએ સોમવારે જ અમને સરકાર રચવાની દરખાસ્ત આપી હોવાથી અમે એ અંગે નિર્ણય લઈ શક્યા નથી. કૉંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ અગાઉ એનસીપીના વડા શરદ પવાર સાથે વાતચીત કરી હતી અને સ્થિર સરકાર રચવાની ચર્ચા કરવાની સત્તા સાથે એહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે તથા કે. સી. વેણુગોપાલનને મુંબઈ મોકલ્યા હતા. આ ત્રણે નેતાઓએ પવાર સાથે ચર્ચા કર્યા બાદ એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે  પહેલા કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને એ નક્કી કરશે કે જો શિવસેનાને ટેકો આપવો હોય તો કઈ નીતિ અને કાર્યક્રમના આધારે આપવો. સામાન્ય લઘુતમ કાર્યક્રમ (મિનિમમ કોમન પ્રોગ્રામ) વગર આ અંગે નિર્ણય ન લઈ શકાય. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ એક અલગ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમે 11 નવેમ્બરે જ ટેકા માટે કૉંગ્રેસ અને એનસીપીનો સંપર્ક કર્યો હતો અને અમારે પણ કોમન મિનિમમ પ્રોગ્રામ માટે અમુક મુદ્દાઓ અંગે બન્ને કૉંગ્રેસ સાથે ચર્ચા કરવાની જરૂર છે. 
 રાષ્ટ્રપતિશાસન લદાયું હોવાથી હવે બધા રાજકીય પક્ષો પાસે સ્થિર સરકાર રચવા માટેની કવાયત કરવા છ મહિનાનો સમય છે. કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તથા શિવસેના વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા શરૂ કરવાની છે. જોકે, આમાં મુખ્ય પ્રધાનપદ પેચીદો પ્રશ્ન છે અને તે વિશે સમાધાન કરવું આસાન
નહીં હોય.
તેમના કહેવા અનુસાર એનસીપીએ પણ તેને આપવામાં આવેલા સમયમાં બહુમતનો દાવો કરવાને બદલે વધુ સમય માગ્યો હતો. જેને પગલે રાષ્ટ્રપતિ શાસન સૂચવી દેવામાં આવ્યું હતું. બીજીબાજુ સરકાર રચવા માટે માગેલા વધુ ત્રણ દિવસનો સમય આપવાનો રાજ્યપાલ તરફથી ઈન્કાર કરવામાં આવ્યો હોવાથી શિવસેના સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ગઈ હતી. શિવસેનાએ રાજ્યપાલ ભાજપ વતી કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
શિવસેના વતી સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં એવી ફરિયાદ કરી હતી કે, ભાજપને બહુમત પૂરવાર કરવા માટે બે દિવસ આપ્યા હોવા છતાં રાજ્યપાલે શિવસેનાને વધારાનો એક દિવસ પણ આપવાનો ઈનકાર કરી દીધો હતો. 
મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો શિવસેનાને સમર્થન આપવા માટે સહમત હોવા છતાં સોનિયા ગાંધી પોતાના પક્ષની વિચારધારાથી સદંતર વિરોધાભાસી માર્ગ ઉપર ચાલતા શિવસેનાને સમર્થન આપવા અંગે થોડા વધુ સાવધાની વર્તી રહ્યાં છે. સૂત્રોના હવાલેથી મળતા અહેવાલો અનુસાર એનસીપીનો આગ્રહ કોંગ્રેસ સરકારમાં સામેલ થાય તેવો છે. જેથી સરકારને સ્થિરતા મળે. તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી લઘુતમ સામાન્ય કાર્યક્રમની માગણી થઈ રહી છે.
રાજ્યપાલે તેમનાં અહેવાલમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામના 15 દિવસ બાદ પણ એવી પરિસ્થિતિ રહી છે કે રાજ્યમાં સ્થિર સરકાર શક્ય બની નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ભાજપે સરકાર રચવાનો ઇનકાર કર્યા બાદ અને શિવસેનાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસના સમર્થનના પત્રો મેળવી નહીં શકતા. રાજ્યપાલે સોમવારે શરદ પવારના વડપણ હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. આ દાવો કરવા મંગળવારે રાતે 8.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
આમ છતાં રાજ્યપાલે આજે બપોરે મોકલેલા તેમના અહેવાલમાં નોંધ્યું છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસે મંગળવારે સવારે મને જણાવ્યું હતું કે જરૂરી સમર્થન મેળવવા અમને વધુ ત્રણ દિવસનો સમય જોઈએ છે. રાજ્યપાલને લાગ્યું કે 15 દિવસ વીતી ચૂક્યા છે આથી હવે વધુ સમય આપી શકાય નહીં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer