બીકેસી પુલ પર રિક્ષાને પરવાનગી નહીં

મુંબઈ, તા. 13 : ચુનાભઠ્ઠીથી બીકેસી ફ્લાયઓવર પરથી રિક્ષા અને મોટરસાઈકલ પસાર થવાની પરવાનગી નહીં મળે એવું લાગી રહ્યું છે. આ પુલ પરથી ભવિષ્યમાં વાહનોની અવર-જવર વધી શકે એમ હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
નવા પુલને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી થોડી મિનિટોમાં જ બીકેસીમાં પ્રવેશી શકાય છે. આને કારણે ચેમ્બુર-સાંતાક્રુઝ લિન્ક રોડ ઉપરાંત સાયન-ધારાવી રોડ પરનો મોટા ભાગનો ટ્રાફિક આ પુલ તરફ વળ્યો છે. બીકેસીમાં જવા માટે અગાઉ માત્ર બે જ રોડ ઉપલબ્ધ હતા. એમાં સાયન-ધારાવી રોડ પર લિન્ક રોડની સરખામણીએ ટ્રાફિક ઓછો છે. લિન્ક રોડ પરનો પ્રવાસ ભારે માથાનો દુખાવા જેવો હતો. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી વધુમાં વધુ 15 મિનિટમાં બીકેસી પહોંચી શકાય, પરંતુ લિન્ક રોડ પૂરો થયા બાદ બીકેસી ટેલિફોન જંકશનની આગળના સિગ્નલ સુધી ભારે ટ્રાફિક રહેતો હોવાથી આ પટ્ટામાં જ અડધો કલાક લાગતો હોય છે. અને અહીં ચોવીસે કલાક આવી સ્થિતિ રહેતી હોય છે. જે લોકો રિક્ષાથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસી આવતા તેમના માટે આ પુલ અગવડદાયક હતો, પરંતુ રિક્ષાને પરવાનગી ન હોવાથી જૂના માર્ગથી જ પ્રવાસ કરવો પડે છે.
જે. જે. ફ્લાયઓવર બન્યો ત્યારે એના પરથી મોટરસાઈકલને જવાની પરવાનગી હતી, પરંતુ શિસ્તને કોરાણે મૂકી પૂરપાટ જતી મોટરસાઈકલને કારણે અકસ્માતનું પ્રમાણ વધી ગયું હતું. આને પગલે મોટરસાઈકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રતિબંધ હટાવવા માટે અનેકવાર જનહિતની અરજી કરવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક પોલીસે પ્રતિબંધ હટાવ્યો નથી. બીકેસીના નવા પુલ પર અકસ્માત ન થાય એ માટે સાવચેતીનાં પગલાંરૂપે પ્રતિબંધ મુકાયો હોવાનું જણાય છે. ઇસ્ટર્ન ફ્રીવે અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી વાહનો મોટા પાયે બીકેસીમાં આવે છે. કેટલા વાહનો અહીંથી પસાર થતા હશે એના કોઈ ચોક્કસ આંકડા નથી. એની સ્પષ્ટતા થયા બાદ પુલ પરથી કેટલી સંખ્યામાં વાહનો પસાર થાય છે એનો અંદાજ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને આવી શકશે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer